પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. બપોરે ત્રણ વાગ્યા સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર આંકડાઓ અનુસાર ભાજપ, JDU, LJP (રામ વિલાસ), હિંદુસ્તાની અવામ મોર્ચા (સેક્યુલર) અને રાષ્ટ્રીય લોક મોર્ચા 200થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ એકલા 95 બેઠકો પર આગળ છે. બિહારમાં સરકાર બનાવવા માટે 122 વિધાનસભ્યોની જરૂર પડે છે.
આ સાથે JDU 82 બેઠકો પર આગળ છે. લોકજનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 20 બેઠકો પર આગળ છે. HAMS (હિંદુસ્તાની અવામ મોર્ચા – સેક્યુલર) 5 અને રાષ્ટ્રીય લોક મોરચા 4 બેઠકો પર આગળ છે.
RJD ઘટીને 29માંથી હવે માત્ર 25 બેઠકો જ રહી છે. AIMIM છ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ હવે માત્ર એક બેઠક પર આગળ છે. CPI-ML (લિબરેશન) 2માંથી ફક્ત એક બેઠક પર જ આગળ રહી છે. CPI (M) અને બસપા 1-1 બેઠકો પર આગળ છે.
ચૂંટણીના અત્યાર સુધીનાં વલણો મુજબ NDA કુલ 200 બેઠકો પર આગળ છે, જ્યારે પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજને મોટી હાર મળતી દેખાઈ રહી છે અને તેમનું ખાતું પણ ખૂલે તેમ નથી. મોકામાંથી અનંતસિંહ આગળ છે, અલીનગરથી મૈથિલી ઠાકુર આગળ છે. તારાપુરથી સમ્રાટ ચૌધરી આગળ છે. તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ બંને પાછળ ચાલી રહ્યા છે.

બિહારમાં NDAને ઐતિહાસિક સમર્થનઃ નીતિન ગડકરી
બિહારમાં બહુમતનો આંકડો પાર કર્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે બિહારની પ્રજાએ NDAને ઐતિહાસિક સમર્થન આપ્યું છે. ડબલ એન્જિન સરકાર દ્વારા થયેલા વિકાસને લોકોનો પૂરતો ટેકો મળ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં PM મોદી અને નીતીશ કુમારના નેતૃત્વમાં કરાયેલા કામનું પરિણામ છે કે લોકો અમને જિતાડી રહ્યા છે. આ માટે હું બિહારની જનતાનો આભાર માનું છું.
બિહારના ઇતિહાસમાં પ્રથમ વખત પુનર્મતદાનની જરૂર પડી નહીં
બિહાર વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે મતદાનના દિવસે કોઈના મૃત્યુની ઘટના નોંધાઈ નથી અને કોઈ પણ મતવિસ્તારમાં પુનર્મતદાનની જરૂર પડી નથી.


