શું પંકજ ચૌધરીને મળશે UP ભાજપની કમાન?

લખનૌઃ ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષપદ માટે આજે શનિવારે નામાંકન થવાનું છે. રેસમાં ઘણાં નામો ચર્ચામાં છે, પરંતુ સૌથી આગળ પંકજ ચૌધરીનું નામ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ રવિવારે પ્રદેશ અધ્યક્ષપદ માટે પંકજ ચૌધરીના નામની ઔપચારિક જાહેરાત કરી શકે છે. પાર્ટીની અંદર આ નામ પર લગભગ સહમતી બની છે.

પંકજ ચૌધરી હાલ કેન્દ્ર સરકારમાં નાણાં રાજ્ય મંત્રી તરીકે કાર્યરત છે. ભાજપમાં જ્યારે પણ કોઈ મોટા કુર્મી ચહેરાની વાત થાય છે, ત્યારે પંકજ ચૌધરીનું નામ સૌથી આગળ આવે છે. તેઓ મહારાજગંજ લોકસભા બેઠક પરથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત 1989માં ગોરખપુર નગર નિગમના કાઉન્સિલરની ચૂંટણીથી કરી હતી. ત્યાર બાદ પાર્ટી સંગઠન અને ચૂંટણી રાજકારણમાં તેમણે અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી છે. તેમની રાજકીય મહત્તાનો અંદાજ એ વાતથી પણ લાગી શકે છે કે બે વર્ષ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઘરે ગયા હતા, જેની તસવીરો એ સમયે સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.

પંકજ ચૌધરીનો પરિવાર પણ રાજકીય અને સામાજિક જીવનમાં સક્રિય રહ્યો છે. તેમના પિતા સ્વર્ગીય ભગવતી પ્રસાદ ચૌધરી એક મોટા જમીનદાર હતા. જ્યારે તેમની માતા ઉજ્જવલા ચૌધરી મહારાજગંજ જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહી ચૂક્યાં છે અને સ્થાનિક સ્તરે વિકાસ કાર્યમાં તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમની પત્ની ભાગ્યશ્રી ચૌધરી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમના એક પુત્ર અને એક પુત્રી છે, જે હાલ રાજકારણથી દૂર છે.

ભાજપ પંકજ ચૌધરીને આગળ કરીને કુર્મી સમુદાયમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માગે છે. પરંપરાગત રીતે આ સમુદાયને ખેડૂત સમુદાય પણ કહેવાય છે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં 1990ના દાયકામાં ઓબીસી આંદોલન બાદ કુર્મી સમાજ વધુ ચર્ચામાં આવ્યો હતો. એક સમયે આ સમુદાય કોંગ્રેસ અને BSP બંને માટે સ્વિંગ વોટર માનવામાં આવતો હતો, પરંતુ 2014 પછી મોદી લહેરમાં આ મતબેંક મોટા ભાગે ભાજપ સાથે જોડાઈ ગયો છે.