નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી 27,000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 800 લોકોનાં મોત થયાં છે. કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે વડા પ્રધાન રાજ્યોના મુખ્ય પ્રધાનોથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્તમાન પરિસ્થિતિની ચોથી વાર ચર્ચા-વિચારણા કરશે. વડા પ્રધાન મોદીની સાથે મુખ્ય પ્રધાનો સાથેના વિડિયો કોન્ફરન્સિંગમાં કમસે કમ નવ રાજ્યોના મુખ્ય પ્રધાનો ભાગ લે એવી સંભાવના છે. આ ઉપરાંત આ બેઠકમાં અનેક કેન્દ્રીય પ્રધાનો પણ ઉપસ્થિત રહે એવી શક્યતા છે.
સવારે 10 કલાકે બેઠક
વડા પ્રધાન મોદી સાથે મુખ્ય પ્રધાનોની વિડિયો કોન્ફરન્સિંગ 10 કલાકે શરૂ થશે, જેમાં લોકડાઉનને વધારવાની સમીક્ષા કરવામાં આવશે અને એને કેવી રીતે લાગુ કરવું –એને માટે ચર્ચા-વિચારણા કરવામાં આવે એવી શક્યતા છે. આ બેઠકમાં આર્થિક પેકેજ, પ્રવાસી મજૂરોને વતન પરત મોકલવા અને ઉદ્યોગ જગતના લોકોને રાહત આપવા માટે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્ય પ્રધાનો દ્વારા 20 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં લોકડાઉન દરમ્યાન આપવામાં આવેલી આંશિક છૂટ, ટેસ્ટ કિટની સ્થિતિ. ડોક્ટરોની સુરક્ષા સંબંધમાં વિચારવિમર્શ કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત કેન્દ્ર પાસે તેઓ નાણાકીય પેકેજની માગ પણ કરશએ. આશરે મોટા ભાગનાં મોટાં રાજ્યોએ આ પહેલાંની બેઠકોમાં પોતાના વિચાર મૂક્યા હતા.
નવ રાજ્યો સામેલ થશે
આ વિડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં ઓરિસ્સા, બિહાર, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્ય પ્રધાનો ઉપરાંત પૂર્વોત્તરથી મેઘાલય અને મિઝોરમના મુખ્ય પ્રધાનો હિસ્સો લેશે. કેન્દ્ર બધાં રાજ્યોને તેમની રજૂઆત કરવા માટે તક આપશે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ પહેલાંની ત્રીજી બેઠકમાં આશરે 13 રાજ્યોના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન વધારવા માટે કહ્યું હતું.
શરદ પવારે લખ્યો પત્ર
કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં રાજ્યવાર સ્થિતિઓની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ છે. રાજ્યમાં 7,500ની વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યની સત્તામાં ભાગીદાર NCPના વડા શરદ પવારે એ વાતે ઇશારો કર્યો હતો કે લોકડાઉનને કારણે રાજ્યને રૂ. 1.40 લાખ કરોડનું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. વડા પ્રધાનની બેઠકના એક દિવસ પહેલાં જ શરદ પવારે વડા પ્રધાનને આ વિશે પત્ર લખી નાખ્યો છે.