DA સ્થગિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને લીધે નાણાકીય સાધનો ઉભા કરવા માટે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થું (DA) 2020ના જાન્યુઆરીની પાછલી મુદતથી અસરમાં આવે એ રીતે સ્થગિત કરી દીધું છે, પણ કેન્દ્રીય નાણાં મંત્રાલયના આ નિર્ણય સામે એક નિવૃત્ત લશ્કરી જવાન સુપ્રીમ કોર્ટમાં ગયા છે. એમણે માગણી કરી છે કે કોર્ટ સરકારને આદેશ આપે કે તે મોંઘવારી ભથ્થું ચૂકવી દે.

 

લીગલ ન્યૂઝ વેબસાઈટ BarandBench ડોટ કોમના જણાવ્યા મુજબ એક નિવૃત્ત લશ્કરી જવાને સરકારના નિર્ણયને જનહિતની અરજી દ્વારા પડકાર્યો છે. સરકારે કોરોના કટોકટીને કારણે નિવૃત્ત કેન્દ્ર સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 2020ના જાન્યુઆરીની પાછલી મુદતથી સ્થગિત કરી દેવાનો નિર્ણય ગઈ 20 એપ્રિલે લીધો હતો.

સ્થગિત કરાયું ન હોત તો આ મોંઘવારી ભથ્થું એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ ચૂકવી દેવાનું થયું હોત.

હવે સરકારના નિર્ણયને નિવૃત્ત લશ્કરી જવાને જનહિતની અરજી દ્વારા અદાલતમાં પડકાર્યો છે.

અરજદારે કહ્યું છે કે સરકારના આ નિર્ણયને કારણે પોતાની પર અવળી અસર થઈ છે, કારણ કે એમની પાસે આવકનું બીજું કોઈ સાધન નથી. જવાને વધુમાં કહ્યું કે, પોતે કેન્સરના દર્દી છે અને ભાડાંના ઘરમાં રહે છે. આમ એમનું પોતાની માલિકીનું કોઈ ઘર નથી.

અરજદાર જવાને વધુમાં લખ્યું છે કે, કેન્દ્ર સરકાર 2020ના એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં મોંઘવારી ભથ્થાની બાકી નીકળતી રકમ ધારકોને ચૂકવી દેવા બંધાયેલી હતી, પણ એણે નાણાં મંત્રાલયના સચિવ મારફત મનસ્વી રીતે પગલું ભરીને એ ચૂકવણી અટકાવી દીધી, પરિણામે હું અને બીજા લાખો નિવૃત્ત જવાનો ફરિયાદી બન્યા છીએ. સરકારે મોંઘવારી ભથ્થાની બાકી નીકળતી રકમ આ વર્ષના એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઈરાદાપૂર્વક ચૂકવી નહોતી અને ત્યારબાદ 20 એપ્રિલે એ રકમની ચૂકવણીને સ્થગિત કરી દેતો નિર્ણય જાહેર કર્યો.

સરકારના આ નિર્ણયથી ભૂતપૂર્વ લશ્કરી જવાનોને ઘણી ખોટ જશે, ખાસ કરીને હાલ કોરોના વાઈરસ રોગચાળો આખો વિશ્વમાં ફેલાયો છે તેથી. ભૂતપૂર્વ જવાનોને ચૂકવવાની નીકળતી રકમ સરકાર માટે મહત્ત્વની છે એવી દલીલ સામે અરજદારે એવી દલીલ કરી કે અમારા જેવા જવાનો માટે પણ આ રકમ આજીવિકા માટે એટલી જ મહત્ત્વની છે.

અરજદારે કોરોના આફતના આ સમયગાળામાં લોકોને ભોગવવી પડતી અનેક તકલીફોના ઉલ્લેખ સાથે એવો નિર્દેશ પણ કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના તમામ માલિકોને વિનંતી કરી છે કે તેઓ એમના કર્મચારીઓનો પગાર ન કાપે કે કોઈને નોકરીમાંથી છૂટા પણ ન કરે. વડા પ્રધાન આવી વિનંતી કરે છે, પણ બીજી બાજુ, સરકાર પોતે તેના જુદા જુદા વર્ગના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોકી દે છે.

નાણાં મંત્રાલયના આ આદેશને અરજદારે મનસ્વી તેમજ બદઈરાદાભર્યો ગણાવીને કહ્યું છે કે આ નિર્ણયથી વરિષ્ઠ નાગરિકોને સૌથી વધારે માઠી અસર થશે, કારણ કે કોરોના વાઈરસનો ચેપ લાગવાનું એમની પર વધારે જોખમ રહેલું છે.

સરકારે ઉદ્યોગક્ષેત્રને અત્યાર સુધીમાં જે નાણાકીય રાહતો આપી છે અને હજી બીજા આપવા તે વિચાર કરી રહી છે તેની સામે પણ અરજદારે સવાલ ઉઠાવ્યો છે. એમણે કહ્યું કે સરકારના આ નિર્ણયને કારણે જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોકી દેવું પડ્યું છે. સરકારનો આ નિર્ણય આપખુદ, ગેરકાયદેસર અને વગર વિચાર્યે લીધેલો છે, જે તેણે તત્કાળ પાછો ખેંચવો જોઈએ અને લાભાર્થીઓને 2020ની 1 જાન્યુઆરીની તારીખથી અમલમાં આવે એ રીતે એમના હકની રકમ ચૂકવી દેવી જોઈએ, ચૂકવવાનું ચાલુ જ રાખવું જોઈએ.