કોણ બનશે ભાજપના નવા અધ્યક્ષ?: મહિલા કે OBC બનાવાશે?

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ ખતમ થઈ ચૂક્યો છે. હવે ટૂંક સમયમાં ભાજપને નવો અધ્યક્ષ મળશે. હાલમાં જ ભાજપની એ ઉચ્ચ સ્તરીય મીટિંગ થઈ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પદાધિકારી પણ સામેલ થયા હતા. આગામી ભાજપાધ્યક્ષ OBC સમાજનો હોય એવી શક્યતા છે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના ઘરે આશરે પાંચ કલાક ભાજપ-RSSના નેતાઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અને કાર્યકારી અધ્યક્ષને લઈને વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ વર્ષના અંત સુધીમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે, જ્યારે આવતા વર્ષ બિહાર જેવાં મુખ્ય રાજ્યોમાં ચૂંટણી થવાની છે. હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં ઊભા થયેલા પડકારો નવા અધ્યક્ષ માટે ચૂંટણીમાં કસોટી બનશે.

મહારાષ્ટ્રના ઉપ CM દેવેન્દ્ર ફડનવીસ અને UPના ઉપ CM કેશવ પ્રસાદ મૌર્યનું નામ પણ અધ્યપકદની રેસમાં છે. ભાજપના નવા અધ્યક્ષ કોઈ મહિલા કે પછી OBC સમાજથી પણ હોઈ શકે છે. અત્યાર સુધી ભાજપે કોઈ મહિલાને અધ્યક્ષ નથી બનાવ્યા. હાલમાં PM મોદીએ ઉપ CM દેવેન્દ્ર ફડનવીસ સાથે મુલાકાત કરી હતી. જે પછી તેમના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. કેશવ પ્રસાદ મૌર્ય પણ સતત દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે અને મોટા નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે.

ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણીની સમયમર્યાદા 31 ઓગસ્ટ કે બીજી સપ્ટેમ્બર સુધી કેરળના પલક્કડમાં RSSની સમન્વય બેઠક થવાની છે. તો શું ભાજપને નો અધ્યક્ષ 31 ઓગસ્ટ પહેલાં પસંદ કરી લેવામાં આવશે?

ગઈ ચૂંટણી ભાજપે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં લડી હતી, જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપાધ્યક્ષ અમિત શાહ હતા, ત્યારે પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું.