કોંગ્રેસમાં સામેલ થશે વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીજંગ રસપ્દ બન્યો છે. ચૂંટણીમાં મતદાન માટે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે, ત્યારે અહેવાલ છે કે પહેલવાન બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસનો હાથ ઝાલશે. બપોરે એક વાગેયે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે.

આ પહેલાં રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની રાહુલ ગાંધીને મળતાં તેમના ચૂંટણી લડવાની અટકળો તેજ થઈ હતી.છેલ્લા ઘણા સમયથી  ભાજપ પ્રત્યે કુસ્તીબાજોની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી ,કેમ કે ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતાં દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહોતો, જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ હતા.

વધુમાં, કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મોટી નિરાશા બાદ સ્વદેશ પરત આવી ત્યારે હરિયાણા કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ દિલ્હી એરપોર્ટ પર તેનું સ્વાગત કર્યું. આ પછી તેણે પોતાના ગામ સુધી રોડ શોને પણ સમર્થન આપ્યું હતું. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા દિલ્હી એરપોર્ટથી બલાલી પહોંચ્યા ત્યાં સુધી દીપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે હતા.

વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ઘણા વખતથી લાગી રહી હતી, કોંગ્રેસ હરિયાણામાં પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં પહેલવાનોની આ મુલાકાત આ વાતના સંકેત મજબૂત કરી રહી છે કે પહેલવાન ફોગાટ અને પૂનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊતરી શકે છે.