કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનો ખરડો કેન્દ્રીય-કેબિનેટે પાસ કર્યો

નવી દિલ્હીઃ ખેડૂતોને નારાજ કરનાર અને વિવાદાસ્પદ બની ગયેલા કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાના ખરડા – ફાર્મ લૉઝ રીપેલ બિલ, 2021- ને આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કેબિનેટે તેને પાસ કરી દીધો છે. હવે આ ખરડો સંસદના આગામી શિયાળુ સત્ર વખતે રજૂ કરવામાં આવશે. સંસદ પણ પાસ કરી દેશે એટલે આ કાયદા સત્તાવાર રીતે રદ થયેલા ગણાશે. ઉલ્લેખનીય છે કે આ કૃષિ કાયદાને સરકાર પાછા ખેંચી લે એવી માગણી સાથે હજારો ખેડૂતો છેલ્લા એક વર્ષથી દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ પર આંદોલન કરી રહ્યાં છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયનું કહેવું છે કે આ ખરડાને વડા પ્રધાનના કાર્યાલય સાથે મસલત કર્યા બાદ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સંસદનું શિયાળુ સત્ર આવતી 29 નવેમ્બરથી શરૂ થવાનું છે અને તે 23 ડિસેમ્બર સુધી ચાલે એવી ધારણા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે એક આશ્ચર્યજનક નિર્ણયમાં રાષ્ટ્રીય સંબોધનમાં જાહેરાત કરી હતી કે એમની સરકારે ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાનો નિર્ણય લીધો છે અને તેને બંધારણીય પ્રક્રિયા અંતર્ગત પાછા ખેંચી લેવામાં આવશે.