કેન્દ્રએ રાજ્યોને ટેક્સના રૂ. 95,082 કરોડ ટ્રાન્સફર કર્યા

નવી દિલ્હીઃ કેન્દ્રને ટેક્સની નોંધપાત્ર આવક થઈ છે. જેથી કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યોને નવેમ્બરના ટેક્સના હિસ્સામાંથી રૂ. 95,082 કરોડ છૂટા કર્યા હતા, જે કેન્દ્રના બજેટ અંદાજના માસિક ફાળવણીના બે ગણા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને 15 નવેમ્બરે રાજ્યોના નાણાપ્રધાનો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી, જેમાં તેમણે  રાજ્યોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિસ્તારોમાં મૂડી રોકાણને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું હતું.

કેન્દ્રએ રાજ્યોને જે રકમ છૂટી કરી છે, એમાં ઉત્તર પ્રદેશ (રૂ. 17,057 કરોડ), બિહાર (રૂ. 9563 કરોડ), મધ્ય પ્રદેશ (રૂ. 7464 કરોડ), પશ્ચિમ બંગાળ (રૂ. 7153 કરોડ) અને મહારાષ્ટ્ર (રૂ. 6006 કરોડ)નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે રાજ્યોને ટેક્સની આવક 14 હપતામાં ફાળવવામાં આવે છે અને માર્ચમાં તેમને ફાળવવામાં આવેલી રકમ અનુસાર એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે.

રાજ્યોને રોકડની અછત ન વર્તાય એ માટે ચાલુ નાણાં વર્ષ દરમ્યાન GSTની આવકમાં ઘટાડાની સામે રૂ. 1.59 લાખ કરોડ પહેલેથી જારી કરી દીધા છે. કેન્દ્રએ આ વખતે જે રાજ્યોને રૂ. 60,000 કરોડની ચુકવણી કરી એ વળતર સ્વરૂપે છે.

દેશનાં 20 રાજ્યો પાસેથી એકત્ર કરેલા આંકડા મુજબ આ રાજ્યોએ નાણાં વર્ષ 2022ના એપ્રિલથી સપ્ટેમ્બરમાં સંયુક્ત રીતે રૂ. 16 લાખ કરોડ મૂડીખર્ચ કર્યાની માહિતી આપી હતી, જે વાર્ષિક ધોરણે 79 ટકા વધુ છે અને ગયા વર્ષની તુલનાએ 31 ટકા ઘટાડો છે.  રાજ્યોને નાણાં વર્ષ 2022માં GSDPના ચોખ્ખા બોરોઇંગના ચાર ટકા ઉપાડની મંજૂરી છે.