મહારાષ્ટ્રમાં ‘ઠાકરે સરકાર’: ઉધ્ધવ ઠાકરે ગુરુવારે લેશે મુખ્ય પ્રધાન તરીકેના શપથ

મુંબઈ – મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારના સભ્ય પહેલી જ વાર રાજ્યના મુખ્ય પ્રધાન બનશે. સ્વ. બાળાસાહેબ ઠાકરેએ સ્થાપેલી શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આવતીકાલે સાંજે 6.40 વાગ્યે મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્ક મેદાન ખાતે નિર્ધારિત શપથવિધિ સમારોહમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.

મહારાષ્ટ્રમાં એક મહિનાથી પણ વધુ સમય સુધી ચાલેલા રાજકીય નાટકનો આખરે અંત આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધા બાદ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ – એમ 3 પાર્ટીએ રચેલા ‘મહારાષ્ટ્ર વિકાસ આઘાડી’ નામના નવા ગઠબંધને સરકાર રચવાનો દાવો કરી દીધો છે. એ પહેલાં MVAની ગઈ કાલે સાંજે મળેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને એમના વડા અને મુખ્ય પ્રધાન તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ MVAના ટોચના નેતાઓ રાજભવન ખાતે જઈ રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીને મળ્યા હતા અને એમની સરકાર રચવાનો દાવો નોંધાવ્યો હતો. રાજ્યપાલે દાવો સ્વીકાર્યો હતો અને એમને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. સરકાર 28 નવેંબરના ગુરુવારે સત્તારૂઢ થશે.

રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને એમની સરકારની બહુમતી સાબિત કરવા માટે 3 ડિસેંબર સુધીનો સમય આપ્યો છે.

ગઈ કાલની બેઠકમાં એનસીપીના પ્રમુખ શરદ પવારે મહાવિકાસ આઘાડી ગઠબંધનની સ્થાપનાની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.

1995માં, શિવસેનાનાં નેતા મનોહર જોશીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. એ વખતે શિવસેના અને ભાજપની ગઠબંધન સરકારે સત્તા સંભાળી હતી. એ વખતે ભાજપના નેતા ગોપીનાથ મુંડે નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા.

આવતીકાલે ગુરુવારે શિવાજી પાર્ક મેદાન, કે જ્યાં સ્વ. બાલ ઠાકરે દર વર્ષે દશેરાના દિવસે પક્ષની રેલી યોજતા હતા અને એ સિલસિલો ઉદ્ધવ ઠાકરે પણ ચાલુ રાખ્યો છે, ત્યાં શપથવિધિ સમારોહ યોજાશે અને ઉદ્ધવ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.

બાલ ઠાકરેના નિધન બાદ આ જ મેદાનમાં એમનું સ્મારક બનાવવામાં આવ્યું છે.