મોદીની અપીલ બાદ સંતે કુંભમેળાનું વહેલું સમાપન કર્યું

હરિદ્વારઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ જોખમી રીતે વધી જતાં અત્રે યોજાઈ રહેલા કુંભમેળા-2021ને પ્રતીકાત્મક રાખીને એનો વહેલો અંત લાવી દેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિનંતી કર્યાના થોડા જ કલાકો બાદ એક અગ્રગણ્ય સંતે જાહેરાત કરી છે કે પોતે કુંભમેળા મહોત્સવનો વહેલું સમાપન કરી દીધું છે. કુંભમેળો ગઈ 1 એપ્રિલથી શરૂ થયો હતો અને 30 એપ્રિલ સુધી ચાલવાનો છે, પરંતુ જૂના અખાડાના સ્વામી અવધેશાનંદ ગિરિએ તેનો વહેલો અંત લાવી દીધો છે.

સ્વામી અવધેશાનંદ ગિરિએ હિન્દીમાં ટ્વીટ કર્યું છે કે ભારતની જનતા અને એના જીવનનું રક્ષણ કરવું અમારી પહેલી પ્રાથમિકતા છે. કોરોના મહામારીના વધી ગયેલા પ્રકોપને ધ્યાનમાં લઈને અમે કુંભના અવાહિત સમસ્ત દેવતાઓનું વિધિવત્ વિસર્જન કરી દીધું છે. જૂના અખાડા તરફથી આ કુંભનું વિધિવત્ વિસર્જન-સમાપન. તેમણે એક વિડિયો સંદેશમાં અન્ય સંતોને પણ અપીલ કરી છે કે તેઓ વડા પ્રધાન મોદીની સલાહને માને અને બાકીના બે શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે જ ભાગ લે.