કિસાન મોરચાએ કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો

નવી દિલ્હીઃ સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારનો MSPનો પ્રસ્તાવ ફગાવ્યો હતો. કેન્દ્ર સરકારે નવી ફોર્મ્યુલા A2+FL+50 ટકાને આધારે MSP આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે C2+50 ટકાથી નીચે કંઈ પણ સ્વીકાર કરવામાં નહીં આવે.

કેન્દ્ર સરકારે ખેડૂતો સામે મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદ સહિત પાંચ પાકો પર A2+FL+50 ટકાને આધારે ઊપજ ખરીદીને પાંચ વર્ષના કોન્ટ્રેક્ટનો પ્રસ્તાવ રાખ્યો હતો. જોકે કિસાન મોરચાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ C2+50 ટકાની ફોર્મ્યુલાને આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ભાજપે ખુદ 2014માં ચૂંટણીના ઘોષણાપત્રમાં એનું વચન આપ્યું હતું.

સ્વામિનાથન પંચે 2006માં આપેલા રિપોર્ટમાં કેન્દ્ર સરકારને C2+50 ટકાને આધારે MSP આપવાનું સૂચન કર્યું હતું. એને આધારે તમામ પાકો પર તેઓ MSPની ગેરંટી ઇચ્છે છે. એના દ્વારા ખેડૂત પાકની એએક ફિક્સ્ડ કિંમત પર વેચી શકશે અને એને નુકસાન નહીં ભોગવવું પડે. જો મોદી સરકાર ભાજપનાં વચનો લાગુ ના કરી શકે તો વડા પ્રધાન ઇમાનદારીથી જનતાને બતાવે, એમ કિસાન મોરચાએ કહ્યું હતું.કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું હતું કે સરકાર પાસે 21 ફેબ્રુઆરીનો સમય છે. સરકાર જો 21 ફેબ્રુઆરી સુધી નહીં માને ચો હરિયાણા પણ આંદોલનમાં સામેલ થશે. ખેડૂતોને MSP ગેરંટી લઈને જીદે ચઢ્યા છે.