કેન્દ્રએ મુસ્લિમ લીગ (JK) પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગાવવાદી કામકાજમાં સામેલ અને આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપનારી મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસર્રત આલમ જૂથ) (MLJK-MA)ને બુધવારે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે એક્સ (ટ્વિટર) પર લખ્યું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરે છે.

ગૃહમંત્રી અમિત શાહે કારણ પણ જણાવતા લખ્યું કે આ સંગઠન ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ છે અને લોકોને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. ગૃહપ્રધાને લખ્યું છે કે સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વિરુદ્ધ કામ કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંગઠનને છોડવામાં નહીં આવે અને તેને કાનૂનના પૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશે. મસરત આલમ 2019થી જેલમાં બંધ છે.

કોણ છે મસરત આલમ?

મસરત આલમ ભટ 2019થી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે, તેને 2021માં કાશ્મીરી કટ્ટરપંથી અલગાવવાદી જૂથ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC)નો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. NIAએ 50 ટેરર ફંડિંગ કેસમાં કેસ નોંધ્યો ત્યારથી તે તિહાડ જેલમાં છે. આ પહેલાં પણ મસરત આલમની 2010માં ધરપકડ કરવામાં આવી હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આલમ સામે 27 FIR નોંધાયેલી છે અને 36 વખત PSA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.