તેજીનો આખલો ભૂરાંટો થયોઃ સેન્સેક્સ, નિફ્ટીમાં રેકોર્ડતોડ તેજી

અમદાવાદઃ સ્થાનિક સ્ટોક માર્કેટમાં સતત ચોથા દિવસે આગઝરતી તેજી થઈ હતી. જેથી ઘરેલુ BSE સેન્સેક્સ, નિફ્ટી 50 અને બેન્ક નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. ડિસેમ્બર એફ એન્ડ ઓ એક્સપાયરીથી ઠીક પહેલાં સ્ટોક માર્કેટ નવા શિખરે બંધ થયાં હતાં. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ધૂમ લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સ સૌપ્રથમ વાર 72,000 અને નિફ્ટી 21,600ને પાર પહોંચ્યો છે.

BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 361 લાખ કરોડને પાર પહોંચ્યું છે. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 701.63 પોઇન્ટ ઊછળી 72,038.43 અને નિફ્ટી 213.50 પોઇન્ટના મથાળે બંધ રહ્યા હતા. રોકાણકારોએ બજારની તેજીમાં રૂ. 2.29 લાખ કરોડની કમાણી કરી હતી. જ્યારે ચાર દિવસમાં રોકાણકારોએ રૂ. 11 લાખ કરોડની કમાણી કરી હતી, જ્યારે ડિસેમ્બરમાં રોકાણકારોએ અત્યાર સુધી રૂ. 26 લાખ કરોડની કમાણી કરી હતી.

અમેરિકાની ફેડ બેન્કે વ્યાજદરોમાં કાપના સંકેત આપ્યા છે. એ સાથે અમેરિકામાં મોંઘવારી દરમાં નરમ વલણ છે. ફેડ રિઝર્વ આગામી વર્ષે માર્ચમાં વ્યાજદરોમાં કાપ મૂકે એવી શક્યતા છે. જેથી નાણાકીય સિસ્ટમમાં રોકડની તરલતામાં વધારો થશે. એનાથી કંપનીઓનો નફામાં પણ વધારો થવાની શક્યતા છે.

આ સાથે ભારતીય અર્થતંત્રનું આઉટલૂક મજબૂત રહેવાની સંભાવના છે. ફિચના અંદાજ અનુસાર ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં સામેલ થશે. વર્ષ 2024-25 સુધી ભારતનો GDP 6.5 ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એ 6.9 ટકા રહેવાનો અંદાજ છે.

નવેમ્બરમાં FIIએ ભારતીય શેરબજારોમાં રૂ. 24,546 કરોડ ઠાલવ્યા પછી ડિસેમ્બરમાં અત્યાર સુધી FPIsએ રૂ. 78,903 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. સ્મોલકેપ અને મિડકેપમાં સતત તેજી જારી છે, ત્યારે હવે લાર્જકેપ શેરોમાં પણ તેજીની આગેકૂચ થઈ રહી છે.