2023માં એસી, પેનલ ટીવીનું વેચાણ વધ્યું; ફોનનું વેચાણ 2% ઘટ્યું

મુંબઈઃ સમાપ્ત થઈ રહેલા 2023ના વર્ષમાં દેશમાં ઘરવપરાશની ચીજવસ્તુઓના વેચાણમાં જબ્બર ઉછાળો નોંધાયો હતો. સૌથી વધારે વેચાણ એરકન્ડિશનર્સનું થયું છે. આ વર્ષના પહેલા 10 મહિનામાં ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં, વોલ્યૂમ (જથ્થા)ની દ્રષ્ટિએ એસીના વેચાણમાં 10 ટકાનો જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ 12 ટકાનો વધારો થયો છે.

પેનલ ટેલીવિઝન કેટેગરીમાં, વોલ્યૂમમાં બે ટકાનો વધારો થયો છે. સ્માર્ટફોનમાં, મૂલ્યમાં 9 ટકાનો વધારો થયો છે, પણ વોલ્યૂમમાં બે ટકા જેટલો ઘટાડો થયો છે.

આ વર્ષે તહેવારોની મોસમ દરમિયાન ઘરવપરાશની ચીજોનું વેચાણ સારું એવું વધ્યું છે. આમાં મોટા ડોમેસ્ટિક અપ્લાયન્સીસ અને નાના ડોમેસ્ટિક અપ્લાયન્સીસ, બંનેનું વેચાણ વધ્યું છે. ઓડિયો હોમ સિસ્ટમ્સના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 3 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.