MLA બન્યાં: MP પદેથી બે કેન્દ્રીયપ્રધાન સહિત ભાજપના 10 સભ્યોનું રાજીનામું

નવી દિલ્હીઃ દેશના રાજકારણમાં આજે એક નોંધપાત્ર ઘટના બની છે. બે કેન્દ્રીય પ્રધાન – નરેન્દ્ર સિંહ તોમર (કૃષિ) અને પ્રહલાદ પટેલ (ફૂડ પ્રોસેસિંગ) સહિત ભારતીય જનતા પાર્ટીના 12માંથી 10 સંસદસભ્યોએ હાલમાં સમાપ્ત થયેલી રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓમાં જીત હાંસલ કરતાં પોતાની સાંસદ બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. આ 10 સાંસદો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં જીત્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સાથે બેઠકો કર્યા બાદ સાંસદપદેથી રાજીનામું આપવાનો આ સભ્યોએ નિર્ણય લીધો છે. આ નેતાઓ હવે સંબંધિત રાજ્યોમાં રચાનાર ભાજપની નવી સરકારોમાં પ્રધાન તરીકે જોડાય એવી ધારણા છે.

રાજીનામું સુપરત કરનારાઓ છેઃ નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, રાકેશ સિંહ, ઉદયપ્રતાપ સિંહ, રિદ્ધી પાઠક (મધ્ય પ્રદેશ), રાજ્યવર્ધનસિંહ રાઠોર, દિયા કુમારી, કિરોડી લાલ મીણા (રાજસ્થાન) અને અરૂણ સાઓ તથા ગોમતી સાઈ (છત્તીસગઢ). જોકે બાબા બાલકનાથ (રાજસ્થાન) અને રેણૂકાસિંહ (છત્તીસગઢ)એ હજી રાજીનામું આપ્યું નથી. સ્થાપિત નિયમાનુસાર, ચૂંટણીમાં વિજેતા બનનાર ઉમેદવારોએ 14 દિવસની અંદર કાં તો સંસદસભ્ય પદેથી અથવા વિધાનસભ્ય પદેથી રાજીનામું આપવું જરૂરી હોય છે.

ભાજપાએ હાલમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના કુલ 21 સંસદસભ્યોને ટિકિટ આપી હતી. એમાંના 12 જણ વિજેતા થયા છે.