મોદીનો મુકાબલોઃ સોનિયા ગાંધીએ બોલાવી વિપક્ષી-નેતાઓની બેઠક

નવી દિલ્હીઃ 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએ જૂથનો મુકાબલો કરવા ‘સમાન રણનીતિ’ ઘડી કાઢવા માટે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ 15-18 વિરોધ પક્ષોના નેતાઓની આજે એક બેઠક બોલાવી છે. આ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે અને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ નિર્ધારિત છે તેથી એમાં પણ ભાજપને હરાવવા ‘સમાન લઘુત્તમ કાર્યક્રમ’ ઘડી કાઢવા વિશે પણ આજની બેઠકમાં મનોમંથન કરવામાં આવશે.

આ બેઠકમાં પશ્ચિમ બંગાલનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં મમતા બેનરજી, તામિલનાડુના મુખ્ય પ્રધાન અને ડીએમકે પાર્ટીના વડા સ્ટાલીન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, નેશનલ કોન્ફરન્સના ડો. ફારુક અબ્દુલ્લા, શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થશે. પરંતુ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.