વાંધો ઉઠાવાતાં પીએમ મોદીની મૂર્તિ મંદિરમાંથી ગાયબ

પુણેઃ અહીંના એક વિસ્તારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બંધાયું હોવાના સમાચાર ગઈ કાલે ફેલાયા બાદ મંદિરમાંથી મોદીની મૂર્તિ રાતોરાત ગાયબ થઈ ગઈ છે. મંદિર વિશે વડા પ્રધાન કાર્યાલયે તરફથી આદેશ અપાયા બાદ મૂર્તિને મંદિરમાંથી હટાવી લેવામાં આવી છે.

આજે સવારે આ મંદિરની બાજુમાંથી પસાર થતી વખતે લોકોએ જોયું હતું કે એમાં વડા પ્રધાન મોદીની મૂર્તિ ગાયબ હતી. અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે મૂર્તિને નજીકમાં જ રહેતા ભાજપના એક નગરસેવકના ઘરમાં રાખવામાં આવી છે. કહેવાય છે કે પુણેમાં રહેતા મયૂર મુંડે નામના 37 વર્ષના એક ભાજપ કાર્યકર્તાએ શહેરના ઔંધ વિસ્તારમાં રસ્તાની એક બાજુએ આવેલા પોતાના ઘરમાં મોદીનું મંદિર બંધાવ્યું છે. એણે આ મંદિરમાં મોદીની 6 બાય અઢી બાય સાડા સાત ફૂટની મૂર્તિ મૂકાવી હતી.

કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના મંદિર વિશે એમ કહીને વાંધો ઉઠાવ્યો હતો કે આ તો ધર્માંધતા કહેવાય. એક તરફ, ભાજપ સરકારી યોજનાઓમાંથી ભૂતપૂર્વ વડા પ્રધાનોના નામ હટાવી રહી છે ત્યારે બીજી બાજુ, ભાજપના કાર્યકર્તાઓ એમના નેતાઓના મંદિરો બંધાવે છે. વિરોધ પક્ષોના આ વિરોધને પગલે વડા પ્રધાન કાર્યાલય તરફથી ભાજપના કાર્યકર્તાને મૂર્તિ હટાવી લેવાનો આદેશ અપાયો હોવાનો અહેવાલ છે.