શ્રીનગરઃ ભારતીય સેનાની ઉત્તરીય કમાન્ડના વડા લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું કહેવું છે કે પાકિસ્તાનમાંથી સરહદ પાર કરીને જે આતંકવાદીઓ ભારતમાં ઘૂસી આવ્યા છે એમાંના કેટલાક પાકિસ્તાની સેનાના નિવૃત્ત સૈનિકો છે.
રાજૌરીમાં આતંકવાદીઓ સાથે થયેલા અથડામણમાં શહીદ થયેલા ભારતીય સેનાના પાંચ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં લેફ્ટેનન્ટ જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ‘અથડામણમાં આપણા પાંચ જવાન શહીદ થયા એનું દુઃખ છે, પણ અમે બે ખૂંખાર આતંકવાદીઓને ખતમ કર્યા છે. આતંકવાદીઓ ઓટોમેટિક શસ્ત્રો વડે સજ્જ હતા અને ઘણી તાલીમ પામેલા હતા. એમને પોતાની સલામતીની પણ કોઈ પરવા નહોતી. અમારો અંદાજ છે કે પાકિસ્તાનમાંથી 20-25 આતંકવાદીઓ ભારતમાં ઘૂસી આવ્યા છે. અમે સ્થાનિક લોકોની મદદ સાથે પરિસ્થિતિ પર અંકુશ મેળવી લઈશું. ખતમ કરી દેવાયેલા બંને આતંકવાદીઓએ દાંગડી, કન્ડી, રાજૌરી વિસ્તારોમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. અમે એમને ખતમ તો કરી શક્યા, પણ ઘણો સમય લાગી ગયો, કારણ કે એ બંને જણ તાલીમબદ્ધ હતા. આપણા જવાનોએ એમની સામે લડવામાં ઘણી હિંમત બતાવી હતી.’
