ભોપાલઃ મધ્ય પ્રદેશની કમલનાથની સરકાર ફરી એક વાર સંકટમાં હોય એવું લાગે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપના કેટલાક મોટા નેતાઓના સંપર્કમાં છે. તેઓ આજે અચાનક દિલ્હી પણ આવ્યા હતા. હાલ કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યો બેંગલુરુમાં પહોંચ્યા છે. આ વિધાનસભ્યોની સંખ્યા 15થી 17 બતાવવામાં આવી રહી છે. મોટા ભાગના વિધાનસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના છ પ્રધાનો સહિત 17 વિધાનસભ્યો ભૂતપૂર્વ સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે, એમ સૂત્રે જણાવ્યું હતું.
સિધિયા તેમની સરકાર સામે નારાજ છે. તેમણે ઘોષણાપત્રમાં કરવામાં આવેલા વચનો પૂરાંના કરવા માટે સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. એક અહેવાલ મુજબ સિંધિયાને જો હાલ મુખ્ય પ્રધાનપદ પણ આપવામાં આવે તો પણ તેઓ માનવાના મૂડમાં નથી.
આ પહેલાં મુખ્ય પ્રધાન કમલનાથે રાજ્યમાં રાજકીય સંકટને ધ્યાનમાં રાખતાં પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીથી મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે બધુ સમુસૂતરું છે.
આ પહેલાં કોંગ્રેસના ચાર વિધાનસભ્ય બેંગલુરુ ગયા હતા, જેમાં બે પાછા ફર્યા હતા. જોકે બે અન્ય વિધાનસભ્યોથી કોંગ્રેસનો સંપર્ક નથી થયો. જે પાછા ફર્યા એ સીધા પ્રધાન બનવાની માગ સાથે પાછા ફર્યા હતા.
રાજ્યમાં 230 વિધાનસભ્યો છે, જેના હિસાબે 34 સભ્યોને પ્રધાન બનાવી શકાય છે. હાલ મુખ્ય પ્રધાનને મળીને 29 પ્રધાનો છે. હાલમાં કોંગ્રેસ 114ની સાથે સત્તામાં છે, તો ભાજપ પાસે 107 વિધાનસભ્યો છે. બસપા પાસે બે અને સપા પાસે એક અને ચાર વિધાનસભ્યો સ્વતંત્ર છે.
મધ્ય પ્રદેશમાં પાછલા મંગળવારથી રાજકીય નાટક ચાલુ છે. ભાજપ અને કોંગ્રેસ એકમેક પર આક્ષેપ-પ્રતિઆક્ષિપ કરી રહ્યા છે.