સાવરકરવિરોધી ટિપ્પણી માટે રાહુલ ગાંધી માફી માગેઃ ગડકરી

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હિન્દુત્વ વિચારક દિવંગત વી. ડી. સાવરકર પર તેમની ટીકાત્મક ટિપ્પણી માટે માફી માગવા કહ્યું હતું. કોઈને પણ તેમનું (સાવરકરનું) અપમાન કરવાનો અધિકાર નથી. તેમણે નાગપુરના શંકરનગરમાં સાવરકર ગૌરવ યાત્રા હેઠળ આયોજિત એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મહેસૂસ કરવું જોઈએ કે તેમને કંઈક ગેરસમજને કારણે સાવરકરનું અપમાન કર્યું છે.

ભાજપના નેતાએ કહ્યું હતું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે મોટું દિલ બતાવવું જોઈએ અને પોતાના ગુના માટે માફી માગવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમણે સાવરકરનું અપમાન કરવાનો અધિકાર કોઈ આપ્યો?  કોઈ પણ સાવરકરનું અપમાન સહન નહીં કરે. તેમણે હળવા અંદાજમાં ગાંધીનો આભાર માટે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ યાત્રા દ્વારા દેશના યુવાઓને સાવરકરના જીવન અને સંદેશ વિશે જાણવાની તક આપી છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે સાવરકરની દયા અરજીનો મુદ્દો ઉઠાવીને સતત તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે હાલમાં લોકસભામાં તેમની અયોગ્યતા પછી કહ્યું હતું કે મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે અને ગાંધી કોઈનાથી માફી નથી માગતા. ભાજપ અને મહારાષ્ટ્રના મુક્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ હિન્દુત્વ વિચારકનું સન્માન કરવા અને તેમની સામે ગાંધીની ટીકાનો મુકાબલો કરવા માટે રાજ્યમાં સાવરકર ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.