કેરળ ટ્રેન અગ્નિકાંડ: આરોપી શાહરૂખ સૈફી રત્નાગિરીમાંથી પકડાયો

રત્નાગિરી (મહારાષ્ટ્ર): કેરળના કોઝીકોડ શહેર નજીક એક ટ્રેનમાં મગજના ફરેલ એક પ્રવાસીએ કેટલાક સહપ્રવાસીઓ પર પેટ્રોલ નાખીને આગ લગાડવાની બનેલી ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરી છે. કેરળ પોલીસની સ્પેશિયલ ટૂકડીએ મહારાષ્ટ્ર પોલીસના આતંકવાદ-વિરોધી દળના જવાનોની મદદથી સૈફીને રત્નાગિરી રેલવે સ્ટેશને પકડી લીધો છે. કહેવાય છે કે સૈફી ઉત્તર પ્રદેશના નોઈડાનો રહેવાસી છે.

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પાસે એ ભયાનક ઘટના બની હતી. શાહરૂખ સૈફ ગયા રવિવારે રાતે લગભગ દસ વાગ્યાના સુમારે અલપૂઝા-કન્નૂર એક્સપ્રેસના ડી-2 કોચમાં ઘૂસ્યો હતો. ટ્રેન કોઝીકોડ સ્ટેશનની નજીક હતી ત્યારે એણે ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો પર પેટ્રોલ નાખ્યું હતું અને એમને સળગાવ્યા હતા. પરિણામે ટ્રેનમાં મોટા પાયે નાસભાગ મચી ગઈ હતી. આગથી ગભરાઈને અમુક પ્રવાસીઓએ દોડતી ટ્રેનમાંથી છલાંગ મારી હતી. એમાં એક નાના બાળક અને બે નાગરિકનું મરણ નિપજ્યું હતું. ગુનો કરીને સૈફી ભાગી ગયો હતો. ત્યારબાદ પ્રવાસીઓએ કરેલા વર્ણનના આધારે પોલીસે હુમલાખોર આરોપીનું રેખાચિત્ર તૈયાર કર્યું હતું અને રિલીઝ કર્યું હતું. એને પકડવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પોલીસને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગુનો કરતી વખતે આરોપી પોતે પણ આંશિક રીતે દાઝ્યો હતો. પોલીસે કહ્યું કે સૈફી સારવાર માટે હોસ્પિટલ શોધતો હતો. પોલીસને બાતમી મળતાં જ સતર્ક પોલીસીઓએ એને રત્નાગિરી રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ માટે મહારાષ્ટ્ર પોલીસ, રેલવે પોલીસ અને એનઆઈએ એજન્સીઓનો આભાર માન્યો છે.