ચીનને અમેરિકાનો જવાબઃ અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચીનના નાગરિક મામલોના મંત્રાલયના અરુણાચલ પ્રદેશની 11 જગ્યાઓનાં નામ બદલવા પર આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ ભારતને ટેકો આપતાં કહ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગના રૂપે માન્યતા આપે છે. અને ક્ષેત્રીય દાવાઓ હેઠળ સ્થાનિક વિસ્તારોનાં નામ બદલવા માટે કોઈ પણ એકતરફી પ્રયાસનો આકરો વિરોધ કરે છે. વાસ્તવમાં ચીન અરુણાચલ પ્રદેશના આ ક્ષેત્રને દક્ષિણી તિબ્બતનો હિસ્સો જણાવીને એના પર દાવો કરે છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કૈરિન જ્યાં પિયરેએ કહ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને લાંબા સમયથી ભારતનું અભિન્ન અંગ તરીકે માન્યતા આપતું રહ્યું છે. અમે વિસ્તારોના નામ બદલીને ક્ષેત્રીય દાવાઓને આગળ વધારવાના કોઈ પણ એકતરફી પ્રયાસનો આકરો વિરોધ કરીએ છીએ.

અરુણાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળોનું ચીન દ્વારા પુનઃ નામકરણ કરવાની વચ્ચે ભારતે મંગળવારે કહ્યું હતું કે એ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો છે અને મનઘડંત નામ રાખવાથી એ હકીકત નહીં બદલાઈ જાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે એવી ન્યૂઝ જોયા છે. આવું પહેલી વાર નથી થયું. જ્યારે ચીને આવા પ્રયાસ કર્યા છે. અમે ચીનના પ્રસ્તાવને ફગાવીએ છીએ.

હાલમાં ચીને અરુણચલ પ્રદેશ માટે ચીની, તિબ્બતી અને પિનયિન અક્ષરોમાં નામોની ત્રીજી યાદી જારી કરી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ માટે જારી કરવામાં આવેલી ભૌગોલિક નામોની એ ત્રીજી યાદી છે. અરુણાચલમાં છ સ્થળોના નામોની પહેલી યાદી 2017માં અને 15 સ્થળોની બીજી યાદી 2021માં જારી કરી હતી.

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળોના પુનઃ નામકરણ એવી સમયે આવ્યું છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં મે,2020માં બેને દેશોની વચ્ચે ઘર્ષણ હજી સુધી સમાપ્ત નથી થયું.