પવાર વિરુદ્ધ પવારઃ કોણ ભારે પડશે? આજે ફેંસલો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જારી રાજકીય બબાલની વચ્ચે NCPના શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથની બેઠક થવાની છે. બંને નેતાઓએ પોતપોતાના વિધાનસભ્યો માટે વ્હિપ જારી કરીને બેઠકમાં સામેલ થવા નિર્દેશ આપ્યા છે. શરદ પવાર જૂથે પાર્ટીની બેઠક દક્ષિણ મુંબઈ સ્થિત યશવંત રાવ ચવ્હાણ કેન્દ્રમાં બપોરે એક કલાકે, જ્યારે અજિત પવારે મુંબઈના બાંદરા સ્થિતિ મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રાંગણમાં બેઠક બોલાવી છે.

અજિત પવારના મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયા પછી તેમની અને શરદ પવારની વચ્ચે NCP પર દાવેદારીને લઈને લડાઈ તેજ થઈ ગઈ છે. બંને જૂથોની બેઠકની સ્થિતિ આજે સ્પષ્ટ થવાની છે. 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં NCPના 53 વિધાનસભ્ય છે અને અજિત પવાર દલબદલુ કાનૂન હેઠળ અયોગ્ય ઠરાવવાથી બચવા માટે કમસે કમ 36 વિદાનસભ્યોને સમર્થનની જરૂર છે. અજિત પવાર જૂથે 40 વિધાનસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જ્યારે શરદ પવાર જૂથનો દાવો છે કે સરકારમાં સામેલ થવા અજિત પવાર સહિત માત્ર નવ વિધાનસભ્યોએ જ પાલો બદલ્યો છે અને બાકીના શરદ પવારની સાથે છે.  

NCPના રાજકીય ઘમસાણની વચ્ચે NCP નેતા છગન ભુજબળે કહ્યું હતું કે અમે ગુરુ પાસેથી શીખ લીધી છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે તેમને ગુરુ દક્ષિણા આપી છે. અજિત પાવાર જૂથના NCP નેતા ધર્મરાવબાબા અત્રામે કહ્યું હતું કે અમારી સાથે આશરે 50 સભ્યો હશે. બધા સભ્યોએ હસ્તાક્ષર કરી દીધા છે.