પ્રધાનમંડળમાં ફેરબદલની ચર્ચા વચ્ચે મંત્રીઓની ભાજપાધ્યાક્ષ સાથે મુલાકાત

 નવી દિલ્હીઃ ભાજપ હાલના દિવસોમાં લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે. મંગલવારે ચાર રાજ્યોના પ્રદેશાધ્યક્ષ બદલ્યા પછી હવે મોદી મંત્રીમંડળમાં ફેરબદલની તૈયારી ચાલી રહી છે. મોદી સરકારમાં સામેલ કેટલાય મંત્રીઓએ ગઈ કાલે ભાજપના વડા જે. પી. નડ્ડાને મળવા પહોંચ્યા હતા.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન, કિરણ રિજીજુ સહિત અર્જુન મેઘવાલ જેવા નેતાઓએ આ વાતને ભાજપાધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. દિલ્હીના પ્રગતિ મેદાનમાં વડા પ્રધાને મંત્રીમંડળની એક બેઠક બોલાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે મંત્રીમંડળની એક સાથે સાર્થક બેઠક થઈ છે, જ્યાં અમે વિવિધ નીતિ સંબંધી મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીની વ્યૂહરચનાને લઈને ચર્ચા થઈ છે.

ભાજપના ટોચના નેતાઓની વચ્ચે કેટલીય બેઠકો થઈ છે. આ બેઠકો પછી ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના સંગઠનના મહા મંત્રી બી. એલ. સંતોષે 28 જૂને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકો અને મુલાકાતો પછી કેબિનેટમાં ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભાજપે હાલમાં તેલંગાણા ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી બનાવવામાં આવ્યા છે, જ્યારે આંધ્ર પ્રદેશ ભાજપના કે. ડી. પુરંદેશ્વરી, ઝારખંડના પૂર્વ CM બાબુલાલ મરાંડી અને પંજાબના સુનીલ જાખલ ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય ચર્ચા ચાલી રહી છે કે હવે છ અન્ય રાજ્યોમાં પણ પાર્ટી નવા પ્રદેશાધ્યક્ષોને નિયુક્ત કરશે, જેમાં મધ્ય પ્રદેશ, કેરળ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, કર્ણાટક અને ગુજરાત જેવાં રાજ્યોનાં નામ ટોચ પર છે. વડા પ્રધાન મોદીએ છેલ્લે વર્ષ 2021માં પ્રધાનમંડળમાં ફેરબદલ કર્યો હતો.