મુંબઈઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ISIS આતંકવાદી ષડયંત્રના કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 40થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. NIA દ્વારા શનિવાર સવારથી અત્યાર સુધીમાં કુલ 41 સ્થાનોમાંથી એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં 1, પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં નવ અને ભાયંદરમાં એક સ્થળની તપાસ કરી છે. અત્યાર સુધીમાં આ દરોડામાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આતંકવાદી વિરોધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓએ આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં દેશભરમાં મુંબઈ અને કર્ણાટકના પોલીસ દળોની સાથે અલગ-અલગ 40થી વધુ સ્થળો પર એકસાથે મોટા દરોડા પાડ્યા છે. આ મામલો આરોપી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ દ્વારા રચવામાં આવેલા એક ગુનાઇત કાવતરા સંબંધિત છે, જેમણે અલ- કાયદા અને ISIS સહિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની હિંસક ચરમપંથી વિચારધારાની પ્રતિજ્ઞા લીધી હતી અને એક આતંકવાદી ગેન્ગ બનાવી હતી.આતંકવાદી સંગઠનોએ ભારતમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માટે હિંસક જેહાદ છેડી છે અને એના માટે ધાર્મિક શિક્ષણ ચલાવવા સહિત સમાન વિચારધારાવાળા યુવાઓને પોતાની સાથે સામેલ કર્યા હતા.
NIAના દરોડા દરમિયાન આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી-આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો છે. NIAના આ સર્ચ ઓપરેશનમાં ભારતમાં ISISની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો પણ ખુલાસો થયો છે. આ નેટવર્કે ISISના સ્વ-ઘોષિત નેતા પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ તેના સાગરીતો દ્વારા ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો.