પટનાઃ સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક મામલે લાલ આંખ કર્યા પછી પ્રતિ દિન નવા ખુલાસા થઈ રહ્યા છે. NEET પેપર લીક મામલે દિલ્હીથી માંડીને પટના સુધી રાજકારણમાં ગરમાવો છે. NEET પેપર લીકના આરોપી સિકંદર યાદવેંદુએ NHAIના ગેસ્ટ હાઉસનો રૂમ બુક કરાવ્યો હતો, જ્યાં અનુરાગ યાદવ, શિવનંદન કુમાર, અભિષેક કુમાર અને પીયૂષ રાજે પાંચ મેએ થનારી પરીક્ષાથી ઠીક એક દિવસ પહેલાં ચોથી મેની પરીક્ષા સંદર્ભે સવાલો આપ્યા હતા અને આ લોકોએ ગોખેલા જવાબ આગલા દિવસે પરીક્ષામાં આપ્યા હતા. આ બધાએ પોલીસને આપેલા નિવેદનમાં એ કબૂલ કર્યું છે કે પરીક્ષામાં એ જ સવાલ પૂછવામાં આવ્યા હતા, જે તેમણે તૈયાર કર્યા હતા.
NEET પેપર લીક મામલામાં બિહારના ડેપ્યુટી CM વિજય સિંહાએ મોટો દાવો કર્યો છે કે ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવના PS પ્રીતમે NEET પેપર લીકના માસ્ટર માઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. તેમણે પત્રકાર પરિષદમાં NEET અને મંત્રી NH કનેક્શન પર કહ્યું હતું કે આ મામલે વિભાગ દ્વારા તપાસ મેં કરાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલી મેએ તેજસ્વીના PS પ્રીતમ કુમારે RCD કર્મચારી પ્રદીપને સિકંદર કુમાર માટે રાજ્ય સરકારના પથ નિર્માણ (NH)ના નિરીક્ષણ ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરવા માટે બોલાવવામાં આવ્યો હતો.
બીજી બાજુ, NEET પેપર લીકના હંગામા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ કરી હતી અને કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત કરી રહી છે. PM મોદી પેપર લીક અટકાવી નથી શકતા. દેશમાં પેપર લીક બંધ થવું જોઈએ. તેમણે આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની જાહેરાત પણ કરી હતી.