નાગપુરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો જાન લેવાની ધમકી આપનાર શખ્સને પોલીસે પકડી લીધો છે. આ જાણકારી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે આપી છે. પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસ, જેઓ રાજ્યના ગૃહ પ્રધાન પણ છે, એમણે કહ્યું કે મુખ્ય પ્રધાન શિંદેને અપાયેલી તમામ ધમકીઓને ગૃહ મંત્રાલયે ગંભીરતાથી લીધી હતી.
પત્રકારો સમક્ષ ફડણવીસે શખ્સનું નામ આપ્યું નહોતું, પરંતુ પુણે પોલીસે અવિનાશ વાઘમારે નામના એક શખ્સની ધરપકડ કરી છે. તેણે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે પુણે જિલ્લાના લોનાવલાની એક હોટેલમાં મુખ્ય પ્રધાન શિંદેની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. વાઘમારે એક દારુડિયો છે. એણે હોટેલના માલિકને પાઠ ભણાવવા માટે તે કોલ કર્યો હતો. હોટેલે વાઘમારે પાસેથી પાણીની બોટલ માટે વધારે પડતો ચાર્જ વસૂલ કરતાં એ ભડક્યો હતો.
મુખ્ય પ્રધાન શિંદેને ઝેડ-પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. તે ઉપરાંત થાણેમાં એમનાં અંગત નિવાસસ્થાને તેમજ મુંબઈમાં સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો ખાતે સુરક્ષા બંદોબસ્ત કડક બનાવી દેવામાં આવ્યો છે.