મુંબઈમાં જાહેર સ્થળોને રોશનીથી ચમકાવશે BMC

મુંબઈઃ મહાનગર મુંબઈને સુંદર બનાવવાની ઘડેલી યોજના અંતર્ગત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) તંત્ર ગેટવે ઓફ ઈન્ડિયા જેવા મહત્ત્વના જાહેર સ્થળો, સ્મારકો, મોટા બ્રિજ, સ્કાયવોક, ઉદ્યાનો અને સમુદ્રકિનારાઓને રંગબેરંગી રોશનીથી ચમકાવવા પર વિશેષ ધ્યાન આપવાનું છે. આ યોજના માટે રૂ. 1,700 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલે શહેરને સુંદર બનાવવા માટે 16-મુદ્દાનો એક એજન્ડા તૈયાર કર્યો છે. એમણે તેમના અધિકારીઓને આદેશ આપ્યો છે કે માર્ચ, 2023 સુધીમાં સુંદર મુંબઈ પ્રોજેક્ટ પરનું કામકાજ સંપૂર્ણપણે પૂરું થઈ જવું જોઈએ. આ યોજના અંતર્ગત મહત્ત્વના જાહેર સ્થળોને રોશનીથી સુશોભિત કરવા ઉપરાંત રસ્તાઓ પરના ખાડા પૂરી દેવા, ફૂટપાથોની હાલત સુધારવા અને સ્વચ્છતા સુવિધાઓ સહિતની જાહેર સવલતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સુંદર મુંબઈ યોજનાના ઈન્ચાર્જ સંજોગ કાબ્રેએ કહ્યું છે કે શહેરનો એકેય ભાગ લાઈટ વગરનો અંધારિયો રહી ન જાય એની ખાસ તકેદારી લેવામાં આવશે. અમે શહેરના ફ્લાયઓવર્સ, બ્રિજ અને સ્કાયવોક્સને આકર્ષક લાઈટિંગથી ચમકાવીશું. પર્યટકોને આકર્ષિત કરવા માટે શહેરના તમામ આઠ સમુદ્રકિનારાઓ ખાતે પણ લાઈટિંગ કરવામાં આવશે. નાગરિકો જ્યારે રસ્તાઓ પર ચાલતાં હોય ત્યારે એમના ચોક લાઈટિંગમાં ચમકતાં હોવા જોઈએ, જે જોઈને એમને આનંદ થશે. બાન્દ્રા અને માહિમ ખાતે આવેલા પ્રાચીન કિલ્લાઓ ખાતે પણ લાઈટિંગ કરવામાં આવશે.