મુંબઈઃ શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવા પગલે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઊભું થયું છે. હાલની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની બનેલી સંયુક્ત સરકાર લઘુમતીમાં આવી ગયાનો શિંદેના જૂથે દાવો કર્યો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારને 30 જૂન, ગુરુવારે સવારે 11 વાગ્યે વિધાનસભા ગૃહમાં તેની બહુમતી પુરવાર કરવાનું જણાવ્યું છે.
રાજ્યપાલના આ આદેશને શિવસેના પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. પાર્ટીના ચીફ વ્હિપ સુનીલ પ્રભ એવી દલીલ કરી છે કે શિવસેનાના અસંતુષ્ટ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ આપવામાં આવી છે. એને પડકારતી અરજી તે વિધાનસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં કરી છે. જ્યાં સુધી એ બાબતે કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી સરકારને બહુમતી પુરવાર કરવાનો આદેશ આપી શકાય નહીં. અસંતુષ્ટ વિધાનસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે 11 જુલાઈએ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.