બિહારમાં રાજકીય સંક્ટ?: RJDએ AIMIMને મોટો આંચકો આપ્યો

પટનાઃ AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી માટે બિહારથી સારા સમાચાર નથી. તેમની પાર્ટીના પાંચમાંથી ચાર વિધાનસભ્યો RJDમાં સામેલ થયા છે. જેથી બિહારમાં ફરી એક વાર RJD સૌથી મોટી પાર્ટી થઈ ગઈ છે. આ પહેલાં પણ RJD સૌથી મોટી પાર્ટી હતી, પણ વચ્ચેના સમયગાળામાં મુકેશ સહનીની પાર્ટીના વિધાનસભ્ય ભાજપમાં જતા રહ્યા હતા, જેથી ભાજપ મોટી પાર્ટી બની ગઈ હતી. બુધવારે તેજસ્વી યાદવે એલાન કર્યું હતું કે અસદુદ્દીન ઓવૈસીના ચાર વિધાનસભ્યો RJDમાં સામેલ થયા હતા. ઓવૈસીના ચાર વિધાનસભ્યો મળીને હવે RJDની પાસે કુલ 80 વિધાનસભ્યો થઈ ગયા છે.

મિડિયા અહેવાલો મુજબ આ ઘટનાક્રમ પછી તેજસ્વી યાદવે કહ્યું હતું કે બિહારમાં સરકાર બનાવવા માટે 122 વિધાનસભ્યોની જરૂર છે. મહાગઠબંધન પાસે 116 વિધાનસભ્યો છે. છ વિધાનસભ્યો ઓછા છે, પણ અમે સત્તાભૂખ્યા નથી. બિહારમાં NDA સરકાર અસ્થિર છે, કેમ કે ભાજપ અને JDU આપસમાં લડી રહ્યા છે.