મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા 18,466 કેસ નોંધાતાં સત્તાવાળાઓમાં ચિંતા વધી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે વધુમાં જાણકારી આપી છે કે રાજ્યમાં કોરોનાના ખતરનાક એવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા પણ વધીને 653 થઈ છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી-મુંબઈ મહાનગરપાલિકા)એ કોરોના-જોખમવાળા કે અતિ-જોખમવાળા દેશો તથા યૂએઈમાંથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આવા પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પર આગમન બાદ તરત જ રેપિડ RT-PCR તથા અન્ય કોવિડ-19 ટેસ્ટ ફરજિયાત કરાવવાની રહેશે. જો એમનો રિપોર્ટ નેગેટિવ આવશે તો એમને એરપોર્ટ પરથી જવા દેવામાં આવશે અને એમણે 7-દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. જે લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવશે એમણે સંસ્થાકીય ક્વોરન્ટીન અવસ્થામાં રહેવું પડશે. બાકીના જે પ્રવાસીઓએ કોરોના-વિરોધી રસી પૂરેપૂરી લઈ લીધી હશે એમને કોરોના-ટેસ્ટ કરાવવી નહીં પડે, સિવાય કે સત્તાવાળાઓ એમને તેમ કરવાનું જણાવે તો.