પીએમ મોદી ઓચિંતા પહોચ્યા લેહની મુલાકાતે, સૈનિકોને સંબોધિત કર્યા

નવી દિલ્હી: ભારત ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓચિંતા લેહ પહોંચ્યા છે. ગલવાન ખીણપ્રદેશમાં ચીનના સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે ગયા છે. ત્યાં બપોરે એમણે સૈનિકોને સંબોધિત પણ કર્યા હતા. એ પહેલા તેમણે ભૂમિદળ, હવાઈ દળ અને ITBPના જવાનો સાથે મુલાકાત કરી હતી. તેઓ મિલિટ્રી હોસ્પિટલમાં ભરતી કરાયેલા ઘાયલ સૈનિકોને પણ મળ્યા હતા.

વડાપ્રધાન મોદી સાથે ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપિન રાવત અને લશ્કરી વડા એમ.એમ. નરવણે પણ હતા. વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન જવાનો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને બેઠા હતા. વડાપ્રધાને લેહના નિમૂમાં જવાનો સાથે અડધો કલાક વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ મેપ દ્વારા સીમાની સ્થિતિની જાણકારી મેળવી હતી.

જવાનો સાથે પોતાની વાતચીતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે ગલવાન ખીણપ્રદેશમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ આજે મુલાકાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 કોર્પ્સના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. CDS બિપિન રાવતની સાથે મળીને હાલની સ્થિતિની માહિતી મેળવી હતી. એ વખતે નોર્ધર્ન આર્મી કમાન્ડના લેફ્ટેનન્ટ જનરલ વાય.કે. જોશી, લેફ્ટેનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર હતા. ગયા મે મહિનાથી ચીનની સાથે સરહદ પર તણાવ ચાલુ છે અને પરિસ્થિતિ હજી પણ ગંભીર છે.