ઉ.પ્ર.માં પોલીસ ટૂકડી પર હુમલો; 8 જવાન શહીદ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલી એક પોલીસ પાર્ટી પર ગત રાત્રે હુમલો થયો હતો. ગુનેગારોએ છટકું ગોઠવીને ફાયરિંગ કરતાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. પોલીસે જવાબી કાર્યવાહી કરતા દુબેના 3 સાથીને ઠાર કર્યા હતા. આમાં દુબેના મામા અને એક પિતરાઈ ભાઈનો સમાવેશ થાય છે. વિકાસ દુબેની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાક્રમ ગત રાત્રે 1 વાગ્યે બિકરુ ગામમાં થયો હતો. ગોળીબારમાં બિલ્હોરનાન સીઓ દેવેન્દ્ર મિશ્ર સહિત આઠ પોલીસ કર્મચારીઓ શહિદ થયા છે. વિકાસ દુબે પર 2003 માં શ્રમ સંવિદા બોર્ડના ચેરમેન સંતોષ શુક્લાની હત્યાનો આરોપ છે. ડીજીપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા બાદ કાનપુર માટે રવાના થયા હતા. સીએમને આ મામલે વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવશે. ત્યારે આ વચ્ચે રાજ્યપાલ આનંદીબેન પટેલે મોડી રાત્રે કાનપુરના ચોબેપુર ક્ષેત્રમાં પોલીસ જવાનો પર થયેલા હુમલામાં શહીદ પોલીસ જવાનો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનામાં ઘાયલ પોલીસ કર્મચારીઓના શીઘ્ર સ્વાસ્થ્ય લાભની કામના અને આશા વ્યક્ત કરી છે.

વર્ષ 2018માં વિકાસ દુબેએ એના પિતરાઈ ભાઈ અનુરાગ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેણે માતી જેલમાં બેસીને ષડયંત્ર રચ્યું હતું બાદમાં અનુરાગની પત્નીએ વિકાસ સહિત ચાર જણ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની રાજકીય પક્ષોમાં મોટી પહોંચ છે.

પોલીસ અનુસાર, શોધખોળ દરમિયાન શિવરાજપુર એસઓ મહેશ યાદવને ગોળી વાગી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને બચવાની તક જ ન મળી અને તેઓ લોહીથી લથપથ થઈને જમીન પર પડ્યા. બાદમાં ગોળી અને બોમ્બ હુમલાખોરો વરસાવવા લાગ્યા. કેટલાય પોલીસ કર્મચારીઓને બેરહેમીથી મારવામાં આવ્યા.

કાનપુર જિલ્લા સાથે જોડાયેલી અન્ય તમામ જિલ્લાઓની સરહદ, ટોલ પ્લાઝા સહિત અન્ય લિંક માર્ગો પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે અને વાહનોનું ચેકિંગ પણ સખ્તાઈપૂર્વક શરુ કરી દેવામાં આવ્યું છે. પોલીસ ટીમ પર હુમલો કરનારા લોકોના ફરાર થયાની સૂચના મળતા જ ઉન્નાવમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું.

યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ પોલીસ કર્મચારીઓએ જે સાહસ અને અદભૂત કર્તવ્યનિષ્ઠા સાથે પોતાની જવાબદારી નિભાવી તેને ઉત્તર પ્રદેશ ક્યારેય ભૂલશે નહી. અને તેમનું બલિદાન પણ વ્યર્થ નહીં જાય.

પોલીસ આવી રહી હોવાના સમાચાર મળતા જ ગામના રસ્તા પર જેસીબી આડું મૂકી દેવામાં આવ્યું હતું. જ્યારે પોલીસો એના બચતા ગામમાં પહોંચ્યા તો ગામના મકાનોની છત પરથી એમની પર ફાયરીંગ શરુ કરી દેવામાં આવ્યું હતું. હુમલો થયા બાદ 3 પોલીસ ટીમો બનાવવામાં આવી. એક ટીમ પાછળ હટીને બેકઅપ કરવા લાગી હતી. આગળ વધી રહેલા એક ઈન્સ્પેક્ટરે એક મકાનની અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો તો બદમાશોએ તેમને ખેંચી લીધા અને એમના માથા પર ગોળી મારી દીધી. આ પ્રકારે સિપાહીઓને પકડી લેવામાં આવ્યા અને એમની નિર્દયતાપૂર્વક મારપીટ કરતાં એમનું મૃત્યુ થયું હતું. વિકાસ દુબેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. STF ને આ કામમાં લગાવવામાં આવી છે. તો રાજ્યની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ઘટનામાં 7 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. કેટલાક પોલીસ કર્મચારીઓના હથિયાર ગાયબ છે.

વિકાસ દુબે સૌથી મોટો ગુનેગાર છે. તેના પર વર્ષ 2001માં રાજ્યમંત્રી સંતોષ શુક્લા હત્યાકાંડમાં સંડોવણીનો આરોપ છે. આટલું જ નહી પરંતુ વર્ષ 2000 માં કાનપુરના તારાચંદ ઈન્ટર કોલેજના આસિસ્ટન્ટ મેનેજર સિદ્ધેશ્વર પાંડેની હત્યામાં પણ વિકાસ દુબેનું નામ આવ્યું હતું. વર્ષ 2014 માં થયેલી દિનેશ દુબેની હત્યાના મામલે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે આરોપી છે. યૂપીના ડીજીપી અનુસાર, વિકાસ દુબે વિરુદ્ધ કલમ 307 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.

વિકાસ દુબે સામે 60થી વધારે ગુનેગારીના કેસ છે. પોલીસને તેની લાંબા સમયથી શોધ છે. ગુરુવારના રોજ સૂચના મળી કે વિકાસ દુબે પોતાના સાથીઓ સાથે બિકરુ ગામમાં છુપાયો છે. પોલીસની ટીમને તેની શોધ કરવા માટે મોકલવામાં આવી. આ ઘટનામાં પોલીસની ટીમે બે ગુનેગારોને પણ ઠાર કર્યા છે. જો કે, ગુનેગારો દ્વારા એટલું હેવી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું કે તેની આડમાં વિકાસ દુબે ત્યાંથી ભાગી ગયો હતો.

ઘટના સ્થળ પરથી પોલીસને AK-47 ગનના બોક્સ મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ગુનેગારોએ અત્યાધુનિક હથિયારોથી પોલીસ ટીમો પર ગોળીઓ વરસાવી હતી. ઘટના બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. બાદમાં ઘટના સ્થળ પર પોલીસની અલગ-અલગ ટીમો મોકલવામાં આવી છે. આશરે 2 ડઝન જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઘટના સ્થળ પર ફોરેન્સિકની ટીમો પહોંચી ગઈ છે તેમજ આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોને લઈને જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમો ખૂબ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ફિંગર પ્રિન્ટ્સના આધારે શોધ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પોલીસ ટીમ પર હુમલો કરવામાં કેટલા લોકો જોડાયેલા હતા.

ગુનેગારોને પકડવા માટે વિકાસ દુબેના નજીકના લોકોના આશરે 100 થી વધારે મોબાઈલ ફોન ટ્રેસ પર લગાવવામાં આવ્યા હતા.

ઘટનામાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના નામઃ

1- દેવેન્દ્ર કુમાર મિશ્ર, સીઓ બિલ્હોર

2- મહેશ યાદવ, એસઓ શિવરાજપુર

3- અનૂપ કુમાર, ચોકી ઈન્ચાર્જ મંધના

4- નેબૂલાલ, સબ ઈન્સ્પેક્ટર શિવરાજપૂર

5- સુલ્તાન સિંહ, કોન્સ્ટેબલ ચોબેપુર

6- રાહુલ, કોન્સ્ટેબલ બિઠૂર

7- જિતેન્દ્ર, કોન્સ્ટેબલ બિઠૂર

8- બબલૂ. કોન્સ્ટેબલ બિઠૂર