કોરોનાની ‘સ્વદેશી’ રસી 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ થવાની શક્યતા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી લડવા માટે વિશ્વભરમાં વેક્સિન અને દવા બનાવવાનું કામ જોરશોરથી થઈ રહ્યું છે અને કેટલાક દેશે આ માટેની રસી કે દવા બનાવી લીધાના દાવા પણ કરી ચૂક્યા છે, પણ એનાં કોઈ નક્કર પરિણામો સામે નથી આવ્યાં. આ દરમ્યાન ભારતીય ફાર્મા કંપનીએ મોટી સફળતા હાંસલ કરી છે અને કોરોના વાઇરસની વેક્સિન લોન્ચ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ વેક્સિન 15 ઓગસ્ટ સુધી લોન્ચ થવાની સંભાવના છે. કોવાક્સિન નામની આ વેક્સિનને બીજા તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે, જે સાત જુલાઈથી શરૂ થવાની છે.   સાત જુલાઈએ ક્લિનિકલ ટ્રાયલ માનવો પર થશે

ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની સાથે મળીને આ વેક્સિન કેન્ડિડેટ કોવાક્સિનને વિકસિત કરી છે. એની સાત જુલાઈએ ક્લિનિકલ ટ્રાયલ માનવો પર થશે. આ વેક્સિનને પ્રાણીઓ પર કરવામાં આવેલા પ્રયોગોમાં સફળતા મળી છે.  ત્યાર બાદ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ એને માનવો પર ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે.

દવા નિયામક સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પાછલા દિવસોમાં આ સ્વદેશી વેક્સિનના પહેલા તબક્કા અને બીજા તબક્કામાં માનવ ક્લિનિકલ પરીક્ષણની મંજૂરી આપી હતી. વેક્સિનને બનાવવા માટે NIV-પુણેમાં આઇસોલેટ કોરોના વાઇરસ સ્ટ્રેનને ભારત બાયોટેકને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

‘સ્વદેશી’ વેક્સિન કોવાક્સિનની ઘોષણા કરતાં ગર્વ 

ભારત બાયોટેકના ચેરમેન અને MD ડો. કૃષ્ણા ઇલ્લાએ કહ્યું હતું કે અમને દેશની પહેલી સ્વદેશી વેક્સિન કોવાક્સિનની ઘોષણા કરતાં ગર્વ થઈ રહ્યો છે. એને તૈયાર કરવામાં ICMR અને NIVનો સહયોગ ઉલ્લેખનીય રહ્યો છે. CDSCOના સક્રિય દ્રષ્ટિકોણથી એના પરીક્ષણને મંજૂરી મળવામાં મદદ મળી.

કોવિડ-19ની વેક્સિન સૈયાર કરવા માટે વિશ્વભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે. હજી સુધી કોઈને સફળતા નથી મળી. જોકે કેટલીક કંપનીઓ વેક્સિનને માનવ પરીક્ષણના તબક્કામાં પહોંચી ગઈ છે.