‘પેટ્રોલ-ડીઝલને GST હેઠળ હાલ લાવવાનું શક્ય નથી’

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બુધવારે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે આગામી આઠથી 10 વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા સંભવ નથી, કેમ કે એનાથી રાજ્યોને બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. સુશીલ કુમાર મોદીએ રાજ્યસભામાં નાણાં વિધેયક, 2021 પર ચર્ચામાં ભાગ લેતાં કહ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદકો પર કેન્દ્ર અને રાજ્યોને સંયુક્ત રીતે પાંચ લાખ કરોડ રૂપિયા મળે છે.

તેમનું નિવેદન ઘણું મહત્ત્વનું છે, કેમ કે કેટલાંક રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 100 સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલિયમ ઉત્પાદકોની કિંમતો પર કાબૂ કરવા માટે GST હેઠળ લાવવાની માગ થતી રહી છે. જોકે આ પહેલાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર ચર્ચા માટે તૈયાર છે.

જોકે ભાજપના નેતાએ પેટ્રોલિયમ ઉત્પાદકોને GST હેઠળ લઈ જવાની માગને અવ્યાવહારિક જણાવતાં કહ્યું હતું કે એનાથી રાજ્યોને આશરે બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે અને એની ભરપાઈ કેવી રીતે થશે? તેમણે કહ્યું હતું કે આગામી 8-10 વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા સંભવ નથી, કેમ કે એનાથી રાજ્યોને પ્રતિ વર્ષ બે લાખ કરોડનું નુકસાન થશે.

તેમણે કહ્યું હતું કે હજી GSTમાં મહત્તમ ટેક્સના દર 28 ટકા છે. હાલની સ્થિતિમાં રૂ. 100માં રૂ. 60 ટેક્સ હોય છે. આ રૂ. 60માંથી કેન્દ્રને રૂ. 35 અને રાજ્યોને રૂ. 25 મળે છે. આ સિવાય કેન્દ્રના રૂ. 35માંથી 42 ટકા રાજ્યને મળે છે.