નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર, કેન્દ્રીય જળ આયોગ, 10 રાજ્યો તથા વિશ્વ બેન્કે ભારતના જુદા જુદા રાજ્યોમાં બાંધવામાં આવેલા બંધની સુરક્ષા વધારવા તથા એમની કામગીરીમાં સુધારો લાવવા માટે 25 કરોડ ડોલરની એક યોજના પર સહીસિક્કા કર્યા છે. આ યોજનાને સેકન્ડ ડેમ રીહેબિલિટેશન એન્ડ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ (DRIP-2) નામ આપવામાં આવ્યું છે. આ યોજના અન્વયે આધુનિક ટેક્નોલોજીઓના ઉપયોગ વડે બંધોની સલામતીને વધારે મજબૂત બનાવાશે. આ યોજના અંતર્ગત આશરે 120 ડેમ પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ રાજ્યોમાં આ યોજના અમલમાં મૂકાશે. એ માટેના કરાર પર આ રાજ્યોના પ્રતિનિધિઓ, વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર જુનૈદ એહમદ તથા કેન્દ્ર સરકાર વતી આર્થિક બાબતોના વિભાગના અતિરિક્ત સચિવે હસ્તાક્ષર કર્યા છે.