બ્રિટનની તમામ ફ્લાઈટ્સ પર 31-ડિસેમ્બર સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રિટનમાં એક નવા પ્રકારનો અને વધારે ચેપી એવો કોરોના વાઈરસ ફેલાતાં ભારત સરકારે તે દેશ માટેથી ભારત આવતી અને ભારતમાંથી ત્યાંને માટે ઉપડતી તમામ ફ્લાઈટ્સના સંચાલન પર 22 ડિસેમ્બરે રાતે 11.59 વાગ્યાથી લઈને 31 ડિસેમ્બરની મધરાતે 11.59 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. આવો પ્રતિબંધ મૂકનાર અન્ય દેશો છે – યુરોપ ખંડના અનેક દેશો, કેનેડા, સાઉદી અરેબિયા, તૂર્કી, ઈઝરાયલ વગેરે.

મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું છે કે ભારતમાંથી બ્રિટન જતી તમામ ફ્લાઈટ્સને કામચલાઉ સમય સુધી સસ્પેન્ડ રખાશે. બ્રિટન માટેનો એર ટ્રાવેલ પ્રતિબંધ 31 ડિસેમ્બરની રાતે 11.59 વાગ્યા સુધી અમલમાં રહેશે. બ્રિટનમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટનમાંથી 22 ડિસેમ્બરે રાતના 11.59 વાગ્યા પહેલાં ભારતમાં આવનારી તમામ ટ્રાન્ઝિટ ફ્લાઈટ્સના તમામ પ્રવાસીઓનું કોરોના વાઈરસના નવા ચેપ માટે તબીબી પરીક્ષણ કરવામાં આવશે. તેઓ ભારતના સંબંધિત એરપોર્ટ્સ ખાતે આવી પહોંચે કે તરત જ એમનો ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]