ભારતીય સીમામાં ઘૂસણખોર ચીની સૈનિકોને લોકોએ તગેડ્યા

લદ્દાખઃ ભારત અને ચીન સીમા વિવાદ પછી બંને દેશોની વચ્ચે જારી શાંતિ મંત્રણા છતાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સતત ઘૂસણખોરીના પ્રયાસ કરી રહી છે. ન્યોમા બ્લોકના ચાંગથાંગ ક્ષેત્રમાં સાદા ડ્રેસમાં PLAના ચીની સૈનિકો બે ચીની વાહન લઈ જઈ રહ્યા હતા. આ ઘટના લેહથી 135 કિલોમીટર પૂર્વના ન્યોમા ચાનતાંગ ગામની છે. આ ચીની સૈનિકો સાદા કપડાંમાં લદ્દાખના સીમા પાર કરતી વખતે પકડાઈ ગયા હતા. જોકે તેઓ વધુ અંદર નહોતા ઘૂસી શક્યા. ત્યાર બાદ આ ક્ષેત્રમાં સત્તાવાળાઓએ અને સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવવતાં આ વાહનને અને ચીની સૈનિકોને પોતાના દેશમાં ધકેલી દીધા હતા.

સોશિયલ વિડિયો પર વિડિયો વાઇરલ થયેલા વિડિયોમાં ચીની વાહન ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં દેખાતાં હતાં, પણ સબ-મેજિસ્ટ્રેટ અને સ્થાનિક લોકોના જોરદાર વિરોધ પછી તેઓ તેમના દેશમાં ભાગી ગયા હતા.

આ ઘટના ચીન દ્વારા એક્ચ્યુઅલ લાઇન ઓફ કન્ટ્રોલ (LAC)ની પાસે એક ટેન્ટ બાંધવામાં આવ્યા પછી થઈ હતી, જ્યાં સ્થાનિકો પોતાનાં ઢોરોને ચરાવવા લાવે છે. ચીનાઓએ સ્થાનિક લોકોને ત્યાં પશુ નહીં ચરાવવા માટે ધમકી આપી છે. સ્થાનિક લોકોએ ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ને આ વિશે જાણ કરી હતી. આ ઘટના છ દિવસ પહેલાંની છે. લેહમાં ચાંગથાંગમાં મોટા ભાગના તિબેટિયન શરણાર્થીઓની વસાહત છે. બંને એશિયન દેશોના સશસ્ત્ર દળો વચ્ચે પ્રવેશ કરવાને મુદ્દે આઠ વાર અથડામણ થઈ છે.