સૈફના પટૌડી પેલેસમાં વેબસિરીઝ ‘તાંડવ’નું શૂટિંગ થયું

નવી દિલ્હીઃ એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવનારી વેબસિરીઝ ‘તાંડવ’ આજકાલ ન્યૂઝમાં છે. ટીઝર રિલીઝ થયા પછી આ રિલીઝ ચર્ચામાં છે. એવી માહિતી છે કે આ વેબસિરીઝના કેટલાક સીન્સના શૂટિંગ સૈફ અલી ખાનના આલીશાન પટૌડી પેલેસમાં થયા છે. કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવરે આગામી વેબ સિરીઝ ‘તાંડવ’થી જોડાયેલી કેટલીક વાત શેર કરી હતી. તેણે કહ્યું હતું કે અમે શિયાળાની મોસમમાં પટૌડી પેલેસમાં અમારી સિરીઝનાં કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ કર્યું હતું. આ બહુ સુંદર જગ્યા છે અને શિયાળામાં અહીં જરૂર જવું જોઈએ. ત્યાં પટૌડી સરના બહુ ફોટા છે. જ્યાં તે ક્રિકેટ રમતા હતા.

અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત નૌ-ભાગની રાજનૈતિક સિરીઝમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, તિગ્માંશુ ધુલિયા અને સુનીલ ગ્રોવર છે. ઝફરે હિમાંશુ કિશન મહેરાની સાથે મળીને આ વેબ ‘શો’નું નિર્માણ કર્યું છે. આ ‘શો’માં ડિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, મો જિશાન અય્યુબ, કૃતિકા કામરા, સારા જેન ડાયસ, સંધ્યા મૃદુલ સહિત અન્ય કલાકાર સામેલ છે. આ સિરીઝનું 15 જાન્યુઆરી, 2021થી એમેઝોન પ્રાઇમ પર પ્રીમિયર હશે.

પટૌડી પેલેસ 10 એકરમાં ફેલાયેલો છે, એમાં 150 રૂમો સહિત સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ, સાત બિલિયર્ડ રૂમ, શાનદાર ડ્રોઇંગ અને ડાઇનિંગ રૂમ છે. આ મોટા ઘરની કિંમત આશરે રૂ. 800 કરોડ છે.

રોબર્ડ ટોર રસેલ દ્વારા 1900માં ડિઝાઇન કરવામાં આવી હતી. આ પેલેસ હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના પટૌડી ટાઉનમાં સ્થિત છે. ‘જુલિયા રોબર્ટ’, ‘મંગલ પાંડે’, ‘વીરઝારા’, ‘ગાંધી માય ફાધર’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ જેવી ફિલ્મો પણ અહીં શૂટ થઈ છે.