નવી દિલ્હીઃ 15-18 વર્ષની વયનાં બાળકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવાના દેશભરમાં હાથ ધરવામાં આવેલા કાર્યક્રમની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરાહના કરી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ કરેલા એક ટ્વીટના જવાબમાં વડા પ્રધાન મોદીએ લખ્યું છે: ‘યુવાવ્યક્તિઓ અને યુવા ભારત માર્ગ ચીંધે છે. આ બહુ જ ઉત્સાહજનક સમાચાર છે. ગતિને જાળવી રાખીએ. રસી લેવાનું અને કોવિડ-19ને લગતા તમામ નિયંત્રણોનું પાલન કરવું મહત્ત્વનું છે. આપણે સહુ સાથે મળીને આ રોગચાળાનો સામનો કરીશું.’
ડો. માંડવિયાએ એમના ટ્વીટમાં લખ્યું છે: કોવિડ-19 સામે ભારતના જંગ માટે મોટો દિવસ! 15-18 વર્ષના વયજૂથના આપણા 50 ટકાથી વધારે યુવાવ્યક્તિઓને કોવિડ-19 રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. મારા યુવામિત્રો ખૂબ સરસ. રસી લેવા માટેનો તમારો ઉત્સાહ દેશભરમાં તમામ લોકો માટે પ્રેરણાત્મક છે.