ભારતના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, બેંગલુરુ જળમગ્ન

ભારતના હવામાન વિભાગ (IMD)એ 20 મે, 2025ના રોજ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર સહિત 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ, વાવાઝોડા અને ગાજવીજ સાથે વીજળી પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ વચ્ચે બીજી બાજુ ઝારખંડમાં વીજળી પડવાથી 5 અને મહારાષ્ટ્રમાં 2 લોકોના મોત થયા છે. બેંગલુરુમાં સોમવારથી ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારમાં ઘણા રસ્તાઓ જળ મગ્ન થયા હતા. સૂત્રોની જાણકારી પ્રમાણે 500થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું હતુ. બીટીએમ લેઆઉટમાં કરંટ લાગવાથી 12 વર્ષના છોકરા અને 63 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું, જ્યારે વ્હાઇટફિલ્ડમાં દિવાલ ધરાશાયી થતાં 35 વર્ષની મહિલાનું મોત થયું. IMDએ બેંગલુરુ માટે 20 મેના રોજ યલો એલર્ટ જારી કર્યું છે.

એક બાજું દેશમાં કમોસમી વરસાદનો કહેર વરતાય રહ્યો છે. જ્યારે બીજી બાજું ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં હીટવેવની ચેતવણી જારી કરાઈ છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં 46 ડિગ્રી અને ઉત્તરપ્રદેશના બાંદામાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું. IMD અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે, જેના કારણે 19-25 મે દરમિયાન કર્ણાટક, કોંકણ, ગોવા અને કેરળમાં ભારે વરસાદની શક્યતા છે. 20-21 મેના રોજ કર્ણાટકમાં અતિ ભારે વરસાદની આગાહી છે. મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં 2-3 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

વરસાદની આગાહી 

21 મે: કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, બિહાર, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી. પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવની શક્યતા.
22 મે: મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, આસામ, મેઘાલય, સિક્કિમ, ઝારખંડ, બિહાર, કોંકણ, ગોવા, તેલંગાણા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, તામિલનાડુ, પુડુચેરી, કેરળ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત 23 રાજ્યોમાં વરસાદ. રાજસ્થાનમાં હીટવેવ અને ધૂળના વાવાઝોડાની શક્યતા.