ગાંધીનગર: પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં 11 ડિસેમ્બરના રોજ તેના 13મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 60 પીએચડી વિદ્વાનો અને કેટલાક મેરિટ મેડલ વિજેતાઓ સહિત 2200થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રસંગે ડિગ્રી પ્રમાણપત્રો પ્રાપ્ત કરશે.
ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ સુધીર મહેતા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે જ્યારે પી.ડી.ઇ.યુ.ના પ્રમુખ ડૉ. મુકેશ અંબાણી સ્નાતક વિદ્યાર્થીઓ, વિદ્વાનો, તેમના માતા-પિતા અને કેમ્પસના શૈક્ષણિક સમુદાયને સંબોધિત કરશે.પી.ડી.ઇ.યુ.ના ડિરેક્ટર જનરલ, પ્રો. (ડૉ.) એસ. સુંદર મનોહરન, તાજેતરના ભૂતકાળમાં યુનિવર્સિટીએ કરેલી સિદ્ધિઓ અને પ્રગતિઓ પર પ્રકાશ પાડતો વાર્ષિક અહેવાલ-2025 રજૂ કરશે.
સ્નાતક વિદ્યાર્થીઓને પી.ડી.ઇ.યુ. બોર્ડ ઓફ ગવર્નર્સના વાઇસ ચેરમેન, ડૉ. હસમુખ અઢિયા (IAS, નિવૃત્ત); સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, અનિતા કરવાલ (IAS, નિવૃત્ત); ની હાજરીમાં ડિગ્રી પ્રમાણપત્રો પ્રાપ્ત થશે. PDEUના ડીજી, પ્રોફેસર (ડૉ.) એસ સુંદર મનોહરન; PDEUના રજિસ્ટ્રાર, કર્નલ (ડૉ.) રાકેશ કુમાર શ્રીવાસ્તવ તેમજ શિક્ષણ અને ઉદ્યોગના અન્ય મહાનુભાવો ખાસ હાજર રહેશે. આ કાર્યક્રમ સાંજે 5:00 વાગ્યે ગાંધીનગરના રાયસણ ખાતે PDEU કેમ્પસમાં શરૂ થશે.
આ દીક્ષાંત સમારોહની એક મુખ્ય વિશેષતા એ છે કે મહાનુભાવો નવી બનાવેલી BSL-3 (બાયોટેક લેબ્સ) અને PDEU-DST-NSDC સેમિકન્ડક્ટર ફ્રન્ટએન્ડ ફેબ સુવિધા અને ઇન્ડો-ઓસ્ટ્રેલિયન સોલર રૂફ ટ્રેનિંગ એકેડેમીની મુલાકાત લેશે. તેઓ આ સુવિધાઓ પર ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન, જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી, ગુજરાત બાયોટેક મિશન અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે વાતચીત કરશે.




