પાકિસ્તાની જાસૂસ જ્યોતિની ચીન યાત્રાનો વિડિયો થયો વાઇરલ

નવી દિલ્હીઃ જ્યોતિ મલ્હોત્રાએ ભારતની છબિ દૂષિત કરવામાં કોઈ કસર છોડી નથી. પાકિસ્તાનની ISI માટે ભારતની જાસૂસીના આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પોલીસે ધરપકડ કરી છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા એક ટ્રાવેલ બ્લોગર છે, જે ઘણી વાર દેશ-વિદેશમાં મુસાફરી કરતી જોવા મળે છે. તેનો પાકિસ્તાન અને ચીનના પ્રવાસના જૂના વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

જ્યોતિ મલ્હોત્રા ચીનનો આ વિડિયો તેણે વર્ષ 2024માં અપલોડ કર્યો હતો. હવે તેની ધરપકડ બાદ આ વિડિયો ફરી વાયરલ થયો છે. જે જોઈને લોકો ચીનમાં જ્યોતિના વર્તનની કડક ટીકા કરી રહ્યા છે. લોકો ચીનમાં જ્યોતિના વર્તનને અશિષ્ટ અને અયોગ્ય ગણાવી રહ્યા છે.

આ વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યોતિ મલ્હોત્રા ચીનમાં ઘણી જગ્યાઓએ પ્રવાસ કરે છે અને આ દરમિયાન પોતાના વિડિયો કન્ટેન્ટ માટે તે ત્યાંના લોકોને ખૂબ અયોગ્ય રીતે વર્તે છે. આ વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે લોકો તેના આ વર્તનથી ખુશ નથી અને તેનાથી રોષે ભરાયેલા છે. વિદેશમાં ભારતની છબી ખરાબ કરવામાં જ્યોતિ કોઈ કસર છોડતી નથી.

જ્યોતિ ચીનની એક બુલેટ ટ્રેનમાં જાય છે અને ત્યાં એક વ્યક્તિને તેની વિન્ડો સીટ બદલવા માટે મજબૂર કરે છે. ત્યાર બાદ તે એક અજાણી મહિલાના સ્કૂટર પર જઈને પોતે બેસી જાય છે અને તેને લિફ્ટ આપવા માટે દબાણ કરે છે. તેને કારણે પરેશાન થઈ મહિલાએ ટ્રાફિક પોલીસ સમક્ષ પોતાની ગાડી અટકાવીને ફરિયાદ કરવાની કોશિશ કરી. જ્યારે જ્યોતિએ પોલીસને જોયા ત્યારે તે મહિલાના સ્કૂટર પરથી ઊતરીને ત્યાંથી ભાગી ગઈ. આ બધા પછી તે ભાડું ચૂકવ્યા વિના બસમાં ચડી જાય છે અને બસ ડ્રાઈવર સાથે પણ ઉશ્કેરણીજનક વર્તન કરે છે. અંતે તે પોતાના વિડિયોમાં આ પણ ફરિયાદ કરે છે કે આ દેશમાં કોઈ પણ અંગ્રેજી નથી બોલતું. સોશિયલ મિડિયામાં જ્યોતિના આ વાયરલ વિડિયોને જોઈને લોકો તેને મૂર્ખ અને અશિષ્ટ કહી રહ્યાં છે અને તેની ઉપર ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.