સુપ્રીમમાં સરકારનો જવાબઃ લોન મોરિટોરિયમને બે વર્ષ સુધી વધારી શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને RBIએ સુપ્રીમ કોર્ટમાં લોન મોરિટોરિયમ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે લોન રિપેમેન્ટ પર મોરિટોરિયમનો સમયગાળો વધારી શકાય છે. કોવિડ-19ના રોગચાળાને જોતાં એને બે વર્ષ સુધી વધારી શકાય છે. 31 ઓગસ્ટે લોન મોરિટોરિયમનો સમયગાળો પૂરો થયો છે. કોવિડથી ઊભી થયેલી પરિસ્થિતિઓમાં લોકોને રાહત આપવા માટે RBIએ છ મહિના સુધી મોરિટોરિયમનો વિકલ્પ આપ્યો હતો.

સુપ્રીમે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર અને RBIનું વલણ સ્પષ્ટ કર્યું હતું. હાલમાં સુપ્રીમ કોર્ટે કોવિડ-19 રોગચાળાને જોતાં મોરિટોરિયમ (લોનના હપતા ચુકવણીમાંથી છૂટ) દરમ્યાન વ્યાજને માફ કરવાને મુદ્દે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારની કથિત નિષ્ક્રિયતાની નોંધ લીધી હતી. તેમણે નિર્દેશ આપ્યો હતો કે એક સપ્તાહની અંદર સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે.

અર્થતંત્રમાં 23 ટકાનો ઘટાડો

મહેતાએ જણાવ્યું હતું કે દબાણવાળાં સેક્ટરો માટે કેટલાંય પગલાં લેવામાં આવ્યાં છે. કોરાનાને કારણે અર્થતંત્રમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. કોવિડની જેની પર વધુ પ્રતિકૂળ અસર પડશે, એ અનુસાર સેક્ટરોને રાહત આપવામાં આવી છે.

આ પકડાકરજનક સમય

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે કોર્ટ બુધવારે વ્યાજની માફી અથવા વ્યાજમાફીને મુદ્દે સુનાવણી કરશે. આ પહેલાં કોર્ટે કહ્યું હતું કે આ મોરિટોરિયમ દરમ્યાન વ્યાજને સંપૂર્ણ રીતે છૂટનો સવાલ નથી, બલકે આ મામલો બેન્કો દ્વારા વ્યાજની ઉપર વ્યાજ વસૂલવા સુધી સીમિત છે. કોર્ટે કહ્યું હતું કે આ પકડાકરજનક સમય છે. આવામાં ગંભીર મુદ્દો છે કે એક તરફ લોનની ચુકવણીને સ્થગિત કરવામાં આવી છે, બીજી તરફ એના પર વ્યાજ લેવામાં આવી રહ્યું છે.