ગેન્ગસ્ટરોએ હવે ગુંડાગીરી અથવા ગુજરાત છોડવું પડશેઃ રૂપાણી

અમદાવાદઃ રાજ્યમાં શાંતિ અને સુશાસન જાળવી રાખવા માટે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે  જાહેરમાં શાંતિ, સલામતી અને અવિરત વિકાસમાં રુકાવટ ઊભી કરનારાં ગેન્ગસ્ટરોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવાં તત્ત્વોએ ગુંડાગીરી  છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. પ્રધાનમંડળની આગામી બેઠકમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ગુંડાવિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એકટ’ ઓર્ડિનન્સ બહાર પાડવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

પાસા એક્ટમાં સુધારો 

રાજ્યમાં ગેરકાયદે જમીન પચાવી પાડનારાં તત્ત્વો, ભૂમાફિયાઓ, જુગાર-દારૂની પ્રવૃત્તિ કરનારાઓ સહિતનાં અસામાજિક તત્વોને સખત સજા કરવા માટે ‘પાસા’ એક્ટમાં સુધારો કરવાનો તાજેતરમાં જ નિર્ણય કર્યો છે.

તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંગ્રામ માંડતા એન્ટિ-કરપ્શનની કામગીરીને વધુ ધારદાર બનાવી છે. ACBને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ સામે કામ ચલાવવા વ્યાપક સત્તાઓ આપી છે. ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ તેમણે ગૌવંશ હત્યા વિરુદ્ધનો અતિ કડક કાનૂન પણ અમલી બનાવ્યો છે.

આ ઓર્ડિનન્સની મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ નીચે મુજબ છે

 •  રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને ગુંડાગીરી કરનારાં તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને પ૦ હજાર રૂપિયાનો દંડ કરાશે.
 • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે.
 • ગુંડા તત્ત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઈ શકશે.
 • સાક્ષીઓને પૂરતું રક્ષણ આપી નામ-સરનામાં ગુપ્ત રાખવામાં આવશે.
 • જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા અને નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા કકડક કાયદાકીય જોગવાઈનો અમલ.
 • દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ,નશાનો વેપાર, અનૈતિક માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ,વ્યાજખોરી, અપહરણ અને ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદે હથિયારો રાખવા કૃત્યોનો નાશ કરવા કડક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવશે.
 • સરકારી કર્મચારી કે રાજકીય વગ ધરાવતી વ્યક્તિ ગુંડા તત્વોને મદદ કરે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહિ, પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે.
 • આ અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરનારાં ગુંડા તત્વોને 10,000 સુધી દંડનો અથવા દંડ વિના છ મહિના સુધીની મુદતની કેદની સજાની જોગવાઈ પણ વટહુકમમાં તેમણે કરી છે.
 • આ વટહુકમ હેઠળ કોઇ પણ ગૂનો સંબંધિત રેન્જ IG અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી સિવાય નોંધી શકાશે નહીં તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.
 • રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારાની જોગવાઇનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધોનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત નિકાસ કરવા જેવી બાબતોનો પણ સજા પાત્રતામાં સમાવેશ થાય છે.
 •  સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી, માલીકી હકના ખોટા દાવા ઉભા કરવા કે તે  સંદર્ભમા બનાવટી દસ્તાવેજો ઊભા કરવા જેવી બાબતોને આ કાયદામાં સજા પાત્ર બાબત તરીકે આવરી લેવામાં આવી  છે.

 

મુખ્ય પ્રધાને આ વટહુકમની જોગવાઈઓના ચુસ્ત અમલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

***