કોરોના રોગચાળાને લીધે AMTSને પ્રતિ દિન 21 લાખ રૂપિયાનું નુકસાન

અમદાવાદઃ દેશમાં લોકડાઉન ઉઠાવવાની શરૂઆત થઈ ત્યારથી 700માંથી 345 એટલે કે 50 ટકા ક્ષમતા સાથે  અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડતી AMTS 30 ઓગસ્ટ સુધી 19 કરોડનું નુકસાન કર્યું છે. કોવિડ-19 રોગચાળાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ને દૈનિક ધોરણે 21 લાખ રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમમાં AMTSની સર્વિસ શરૂ નથી થઈ શકી, જેથી ટ્રાન્સપોર્ટ સર્વિસને મોટું નુકસાન થઈ રહ્યું છે.

શહેરમાં પૂર્વ અને પશ્ચિમમાં બસ સર્વિસને શરૂ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને AMTSની સમિતિમાં પણ આ મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો, પણ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કોરોના વાઇરસને કારણે AMTSની બસ સેવા ચાર મહિના બંધ હતી, પણ જૂનમાં બસોને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી હતી. અને પેસેન્જરો પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઓછો ઉપયોગ કરતા હતા. જેને પરિણામે AMTSએ નુકસાન ખમવું પડે છે.

AMTSને 25 લાખની દૈનિક આવક

જો AMTS સંપૂર્ણ ક્ષમતાથી બસો ચલાવે તો દૈનિક આવક 25 લાખ રૂપિયાની થતી હતી. બીજી બાજુ, AMTS 22 કરોડ રૂપિયા કર્મચારીઓને પગાર અને પેન્શન સ્વરૂપે ચૂકવે છે. AMTS આ રકમ વાર્ષિક રીતે 264 કરોડ ચૂકવે  છે. આ ઉપરાંત AMTS પ્રતિ મહિને ખાનગી ઓપરેટરોને બસ ચલાવવા માટે 13 કરોડની રકમ ચૂકવે છે. જોકે લોકડાઉન દરમ્યાન એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે 30 ટકાની રકમની  ચુકવણી તેમને કરવામાં આવે. આ સંદર્ભે 7.80 કરોડની ચુકવણી તેમને કરી દેવામાં આવી છે. AMTSનનું કુલ નુકસાન વધીને 300 કરોડ રૂપિયા થયું છે, પણ આ વર્ષે એમાં ઓર વધારો થશે.