એસ્ટ્રાઝેનકાની કોરોના વેકિસનની ટ્રાયલ ત્રીજા તબક્કામાં : ટ્રમ્પ

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાઇરસ રોગચાળાના પ્રકોપની વચ્ચે દરેક દેશ એની વેક્સિન બનાવવાની હોડમાં લાગેલો છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકી કંપની એસ્ટ્રાઝેનકા દ્વારા કોવિડ-19 વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ચૂક્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે કોરોનાની આ દવાને ટૂંક સમયમાં મંજૂરી મળે એવી શક્યતા છે. મને જણાવતાં આનંદ થાય છે કે કોરોના વેક્સિન બનાવી રહેલી એસ્ટ્રાઝેનકાની વેક્સિન ટેસ્ટના ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકી છે.  આ એ વેક્સિનની યાદીમાં સામેલ થઈ છે, જે બનવામાં ઘણી નજીક છે. લોકોને લાગી રહ્યું હતું કે આ અસંભવ છે, પણ અમેરિકાએ કોરોના રોગચાળા સામે વેક્સિન બનાવીને બતાવું દીધું, એમ ટ્રમ્પે કહ્યું હતું.કોવિડ-19ની વેક્સિન બનાવવામાં ઘણો સમય લાગી શકે છે, પરંતુ એને એડમિનિસ્ટ્રેશને આ કામ કેટલાક મહિનાઓમાં કરીને બતાવ્યું છે. કોરોના વેક્સિનની દેશમાં 30,000 સ્વયંસેવકો પર ટ્રાયલ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પ વહીવટી મંડળ દ્વારા અમેરિકામાં આ દિવસોમાં ઓપરેશન વાર્પ સ્પીડ ચલાવવામાં આવી રહ્યું છે. એના હેઠળ કોરોના સામે વેક્સિન બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

અમેરિકામાં એસ્ટ્રાઝેનકાની વેક્સિન ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે, જે વાર્પ સ્પીડનો એક ભાગ છે. આ ઓપરેશનનો ઉદ્દેશ વર્ષ 2021 સુધી કોરોના વેક્સિનની સુરક્ષિત અને 30 કરોડ ડોઝ તૈયાર કરવાનો છે. આ વેક્સિનને પણ મંજૂરી અપાય એવી શક્યતા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગના પ્રમુખ સ્ટીફન હાનના જણાવ્યા મુજબ એની ત્રીજ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સાચી દિશામાં રહી તો એનું જલદી રજિસ્ટ્રેશન કરી લેવામાં આવશે.