નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઇકોર્ટના એક ચુકાદા પર સ્ટે મૂક્યો છે. હાઇકોર્ટે બેંગલુરુ સ્થિત ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ (Gameskraft) ટેક્નોલોજીને જારી કરેલી રૂ. 20,989 કરોડની નોટિસ રદ કરી છે. આ નોટિસ કંપની પર GST ચોરીના આરોપ સંબંધિત હતી. કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટના ચુકાદામાં કેટલાંય પાસાં છે, જેના પર વધુ તપાસ કરવાની જરૂર છે.
કોર્ટે આ વર્ષના મેમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સના ઓર્ડરને પણ રદ કર્યો હતો. અધિકારીઓએ આ ઓર્ડર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જારી કર્યો હતો. આ ઓર્ડરમાં ગેમ્સક્રાફ્ટ પર 2017થી 30 જૂન, 2022ની વચ્ચે રૂ. 21,000 કરોડના GSTની ચુકવણી નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો.
CJI ડીવાય ચંદ્રચૂડની આગેવાની ખંડપીઠે આ કેસની અંતિમ સુનાવણી ત્રણ સપ્તાહમાં કરે એવી શક્યતા છે. ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઇવેટ લિ. (GTPL) પર કાર્ડ અને ફેન્ટન્સી ગેમ દ્વારા ઓનલાઇન બેટિંગને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે.
ગ્રાહકો દ્વારા એક વાર એના વોલેટમાં પૈસા નાખ્યા પછી એને પરત મેળવવાનો કોઈ રસ્તો નહોતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ કંપની ગ્રાહકોને ઇનવોઇસ પણ જારી નહોતી કરતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે કંપનીના માધ્યમથી લગાવવામાં આવેલા આશરે રૂ. 77,000 કરોડના દાવ પર 28 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે લક કે સટ્ટાબાજીથી જોડાયેલી ગેમ પર લાગુ થાય છે. ટોચની કોર્ટે કેન્દ્રની વિનંતી પર કંપનીને જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે.