નવી દિલ્હી/મુંબઈ/અમદાવાદઃ કોરોના વાઈરસ વિરુદ્ધ ભારત સરકારે આદરેલી લડાઈનો નિર્ણાયક રીતે સામનો કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલનો પ્રતિસાદ આપીને સમગ્ર દેશમાં આજે લોકોએ સ્વૈચ્છિક જનતા કર્ફ્યૂનો કડક રીતે અમલ કર્યો હતો અને સાંજે બરાબર પાંચ વાગ્યે લોકોએ પોતપોતાના ઘરની બાલ્કનીમાં, બારીમાં તથા દરવાજે ઊભા રહીને તાળીઓ પાડી, થાળી-વેલણ વગાડીને, શંખ ફૂંકીને, ઘંટડી વગાડીને, સંગીત-ઢોલ વગાડીને આ વાઈરસ સામે લોકોનું રક્ષણ કરનાર તબીબો તથા આરોગ્ય ક્ષેત્રના વ્યાવસાયિકોનું અનોખી રીતે અભિવાદન કર્યું હતું. આ અપીલને સમર્થન આપવામાં નાગરિકો સાથે પીએમ મોદીના માતા હીરાબા પણ ગાંધીનગરમાં એમનાં નિવાસસ્થાને જોડાયાં હતાં.
મોદીએ ગયા શુક્રવારે ટીવી પ્રસારિત રાષ્ટ્રજોગા સંબોધનમાં કરેલી અપીલ મુજબ લોકોએ આજે સવારે 7 વાગ્યાથી જનતા કર્ફ્યૂનો અમલ શરૂ કરી દીધો હતો.
નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશના તમામ મોટા શહેરો, નગરો અને ગામડાઓમાં લોકોએ પોતાના કામ-ધંધા બંધ રાખી, ઘરની અંદર જ રહીને કર્ફ્યૂનો અમલ શરૂ કરી દીધો હતો. રસ્તાઓ સંપૂર્ણપણે સૂમસામ દેખાતા હતા. રેલવે વહીવટીતંત્રએ તમામ પેસેન્જર ટ્રેનોને શનિવાર મધરાતથી જ બંધ કરી દીધી હતી.
મુંબઈમાં રોજ કરતાં 50 ટકા જ લોકલ ટ્રેનો દોડાવવામાં આવી હતી તેમજ સામાન્ય જનતાને પ્રવાસ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી તેથી ટ્રેનો ખાલીખમ દોડી હતી.
મુંબઈમાં બસ સેવા પણ બંધ હતી. જનતા કર્ફ્યૂમાં ટેક્સી-ઓટોરિક્ષા ચાલકો પણ જોડાયા હતા.
સાંજે બરાબર પાંચના ટકોરે અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ જેવા બોલીવૂડ કલાકારો, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, એનસીપીના પ્રમુખ શરદ પવાર જેવા નેતાઓ સહિત લોકોએ આરોગ્ય ક્ષેત્રના લોકોનું અભિવાદન કર્યું હતું, પરંતુ અમદાવાદના ખાડીયા વિસ્તારમાં લોકોએ થાળી-વેલણ સાથે રેલી કાઢી હતી અને જોતજોતામાં સહુ રસ્તા પર ઉતરી આવ્યા હતા. એ દર્શાવતા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા અને આખો દિવસ જનતા કર્ફ્યૂ કરનારાઓની મહેનત પર પાણી ફેરવી દીધું એવી અમદાવાદના આ રહીશોની ટીકા થઈ છે.