ભારતમાં કોરોનાવાઈરસ રોગના દર્દીઓની સંખ્યા વધીને 396; 7નાં મરણ

નવી દિલ્હીઃ ખતરનાક જીવલેણ કોરોનાવાઈરસ સામે આખા વિશ્વની સાથે ભારત દેશ પણ ઝઝૂમી રહ્યો છે. ભારતમાં આ રોગનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા વધીને 396 થઈ છે.

કોરોનાને કારણે ભારતમાં થયેલા મરણનો આંક વધીને 7 થયો છે.

ગઈ કાલે રવિવારે એક જ દિવસમાં ભારતમાં કોરોનાનાં પોઝિટીવ કેસોની સંખ્યા 81 નોંધાઈ હતી, જે અત્યાર સુધીમાં સૌથી ઊંચો આંક છે. આ પહેલાં એક જ દિવસમાં સૌથી વધુ કેસોની સંખ્યા 50 નોંધાઈ હતી.

મહારાષ્ટ્રમાં કોરોનાનાં સૌથી વધારે દર્દીઓ છે. ગઈ કાલે નવા 10 કેસ નોંધાતાં આંકડો 74 પર પહોંચ્યો છે. સૌથી વધારે દર્દીઓ મુંબઈમાં નોંધાયા છે – 24. પુણે શહેરમાં 15 દર્દીઓ છે અને ત્યાં 31 માર્ચ સુધી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. મુંબઈમાં, લોકલ ટ્રેન સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે. મુંબઈમાં આજે અખબારો પણ પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે જે જિલ્લાઓમાં Covid-19ના કેસો હોય એ જિલ્લાઓમાં લોકડાઉન કરાવો. દેશભરમાં 75 જિલ્લાઓને કોરોનાગ્રસ્ત ઘોષિત કરાયા છે અને એ તમામમાં લોકડાઉન કરી દેવાયું છે.

ગુજરાતમાં કોરોનાનાં નવા 3 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 23 થઈ છે.

પંજાબ, રાજસ્થાન, દિલ્હી, અરૂણાચલ પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કરાયું છે. ત્યાં જાહેર પરિવહન સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે, પરંતુ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને ચાલુ રખાઈ છે.

ગુજરાત અને બંગાળમાં આંશિક લોકડાઉન લાગુ કરાયું છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા શહેરોને બુધવાર સુધી લોકડાઉન કરાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]